અમેરિકા પોતાના સૈનિકોની મર્દાનગી ચકાસશે!
અમેરિકાની સરકાર હવે પોતાના સૈનિકોની મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ વધારવા માટે દર વર્ષે તેમના પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનની તપાસ કરાવશે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથની લાંબા સમયથી દલીલ રહી છે કે સેનાનું કામ એવા યોદ્ધા તૈયાર કરવાનું છે જે દુશ્મન પર નિર્ણાયક સરસાઈ પ્રાપ્ત કરી શકે. આ વિચાર હેઠળ અમેરિકાની સેનામાં હોર્મોન સ્ક્રીનિંગને સેનાની તૈયારીનો ભાગ બનાવાઈ રહ્યું છે.
મધ્ય-પૂર્વમાં ફરીથી વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા પોતાની સેનાને મજબૂત બનાવવામાં હવે હોર્મોન સ્ક્રીનિંગ માટેની વ્યવસ્થા લાવી રહી છે. અમેરિકાની સરકાર પોતાની સેનાના સૈનિકોની મારક ક્ષમતા વધારવા માટે દર વર્ષે પોતાના સૈનિકોના પુરુષ હોર્મોન એટલે કે ટોસ્ટોસ્ટેરોનનું ટેસ્ટિંગ કરાવશે. તેની સાથે જે સૈનિકોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું હશે, તેમને ટેસ્ટોસ્ટેરોનના ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવશે.
અમેરિકા પોતાના સૈનિકોની મર્દાનગી ચકાસશે
અલ ઝઝીરાના રિપોર્ટ મુજબ, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે આ ઘોષણા કરી છે. તેમનું માનવું છે કે યુદ્ધના મેદાનમાં ઘાતક, મારક અને આક્રમક યુદ્ધ ક્ષમતા બનાવી રાખવા માટે સૈનિકોમાં જરૂરી માત્રામાં ટેસ્ટોસ્ટેરોન હોવો જરૂરી છે. આ ટેસ્ટ દ્વારા ટેસ્ટોસ્ટેરોન હોર્મોન લેવલની જાણકારી મેળવાશે. સૈનિકોને ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરપીનો વિકલ્પ પણ આપવામાં આવશે, જેથી તે લોકો અમેરિકાની સેનામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. હેગસેથે એલાન કર્યું છે કે 30 વર્ષથી વધારે વયના સૈનિકોનો દર વર્ષે ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ કરાવાશે.
હેગસેથની લાંબા સમયથી દલીલ રહી ચે કે સેનાનું કામ સામાજિક પ્રયોગ કરવાનું નથી, પરંતુ એવા યોદ્ધા તૈયાર કરવાનું છે કે જેઓ દુશ્મન પર નિર્ણાયક સરસાઈ પ્રાપ્ત કરી શકે. આ વિચાર પ્રમાણે અમેરિકાની સેનામાં હોર્મોન સ્ક્રીનિંગને સૈન્ય તૈયારીનો હિસ્સો બનાવાઈ રહ્યું છે. તેમણે એક વીડિયો મેસેજમાં કહ્યુ છે કે આ પોલિસીનો ઉદેશ્ય એ નક્કી કરવાનો છે કે સૈનિક મજબૂત અને મુશ્કેલ સ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બની રહે છે. તે દરેક કામ કરી શકે અને મોર્ડન વોરફીલ્ડની જરૂરિયાતો માટે માનસિકપણે તૈયાર રહે.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ટેસ્ટોસ્ટેરોન ટ્રાન્સપ્લાન્ટેશન થેરપીને વધારે સરળ બનાવવાની કોશિશમાં લાગેલું છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય - પેન્ટાગનનું આ પગલું સરકારની આ કોશિશો બાદ આગળ વધ્યું છે. ગત મહિને અમેરિકાના આરોગ્ય અને માનવ સેવા વિભાગે ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ ટ્રીટમેન્ટ પર લાગેલા પ્રતિબંધને ઘટાડવાનું એલાન કર્યું. તેમાં એ પુરુષોને આ હોર્મોન આપવા પર લાગેલી રોકને હટાવવાનું પણ સામેલ છે કે જેમની વધતી વયને કારણે ટેસ્ટોસ્ટેરોન સ્તર ઘટી જાય છે.
ટેસ્ટોસ્ટેરોન હોર્મોન શું હોય છે?
ટેસ્ટોસ્ટેરોન એક કુદરતી પુરુષ સેક્સ હોર્મોન છે. તે મુખ્યત્વે પુરુષોના અંડકોષમાં બને છે. મહિલાઓમાં તે ઘણી ઓછી માત્રામાં મહિલા અંડાશયમાં બને છે. તેને મોટોભાગે મર્દાનગીનું હોર્મોન ગણાવાય છે. જેટલું વધારે ટેસ્ટોસ્ટેરોન, એટલી મર્દાનગી. તે પુરુષોમાં દાઢી-મુછ, ભારે અવાજ, સ્નાયુના વિકાસ અને હાડકાંની મજબૂતાઈ માટે જવાબદાર છે.