POKમાં પાકિસ્તાની સેનાનો અંધાધુંધ ગોળીબાર, 11થી વધુના મોત
પાકિસ્તાની સરકારે પોતાની જુલ્મોસીતમની દાસ્તાનને બહાર જતી રોકવા માટે અહીં ઈન્ટરનેટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. સેલ્યુલર સેવાઓને મર્યાદીત કરવાની સાથે પીઓકેની બહાર ફોન કરવા પર પણ રોક લગાવી છે
પાકિસ્તાન અધિકૃત કશ્મીર (POK)માં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. રાવકોટમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા નિશસ્ત્ર લોકો પર પાકિસ્તાની સેના અને પાકિસ્તાની રેન્જર્સ દ્વારા એકે-47થી અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેમાં ઘણાં લોકોના માર્યા જવાની આશંકા સેવાઈ રહી છે. કેટલાક દાવા મુજબ, 11થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ હિંસક ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થાય છે. જેને કારણે આખા વિસ્તારમાં દહેશતનો માહોલ છે.
આ હિંસા ત્યારે ભડકી કે જ્યારે જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC)ના નેતૃત્વમાં દેખાવકારો રાવલકોટમાં મુઝફ્ફરાબાદ સુધી લોંગ માર્ચ કરી રહ્યા હતા. પાકિસ્તાની અધિકારીઓ સાથેની વાતચીત નિષ્ફળ ગયા પછી જેએએસીએ વિરોધ દર્શાવવા માર્ચનું આયોજન કર્યું હતું. શનિવારે મીરપુર ડિવીઝનથી શરૂ થયેલી માર્ચ જેવી રાવલકોટ પહોંચી કે સુરક્ષાદળોએ તેમને રોકવાની કોશિશ કરી અને કોઈપણ ચેતવણી વગર જ ફાયરિંગ શરૂ કર્યું હતું.
સૂત્રોનું કહેવું છે કે આ દમનકારી કાર્યવાહી પીઓકેમાં ચાલી રહેલી એ ચૂંટણી વચ્ચે થયું છે કે જેના પરિણામ પહેલેથી જ નક્કી માનવામાં આવે છે. દેખવાકારો દ્વારા કરવામાં આવેલી ચૂંટણી બહિષ્કારની અપીલને જનતાનો ટેકો મળ્યો હતો. જેનાથી પાકિસ્તાની સત્તાધીશો અને સેના નાખુશ થઈ છે. સ્થિતિને નિયંત્રણમાં લેવાના નામે પાકિસ્તાને આખા પીઓકેને છાવણીમાં તબ્દીલ કર્યું છે અને વિરોધને કચડવા માટે આઠ હજાર જવાનોની તેનાતી કરી છે.
પાકિસ્તાની સરકારે પોતાની જુલ્મોસીતમની દાસ્તાનને બહાર જતી રોકવા માટે અહીં ઈન્ટરનેટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. સેલ્યુલર સેવાઓને મર્યાદીત કરવાની સાથે પીઓકેની બહાર ફોન કરવા પર પણ રોક લગાવી છે.
સડકો પર સામાન્ય લોકોના આવાગમન પર પ્રતિબંદ છે. જેના કારણે જાનહાનિનો સાચો આંકડો અને વાસ્તવિક સ્થિતિની જાણકારી મળવામાં વિલંબ થઈ રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે પાકિસ્તાની સેના શાંતિપૂર્ણ દેખાવોને બંદૂકોના દમ પર દબાવવા માંગે છે.