મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજનાની છેલ્લી તારીખ લંબાવાય, ખેડૂતોને રાહત
રાજ્ય સરકારે ચાલુ વર્ષ 2026-27 દરમિયાન 'મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના' હેઠળ ખેડૂતોને આધુનિક ઓજારો પૂરા પાડવા માટે 750 કરોડ રૂપિયાથી પણ વધુની માતબર રકમની જોગવાઈ કરી છે.
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વર્ષ 2026-27 માટે 'મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના' અંતર્ગત કૃષિ ઓજારો ખરીદવા માટેની સમયમર્યાદામાં 15 દિવસનો સીધો વધારો કરી આપ્યો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત આપણા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી છે.
રાજ્ય સરકારે ચાલુ વર્ષ 2026-27 દરમિયાન 'મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના' હેઠળ ખેડૂતોને આધુનિક ઓજારો પૂરા પાડવા માટે 750 કરોડ રૂપિયાથી પણ વધુની માતબર રકમની જોગવાઈ કરી છે. આ કલ્યાણકારી યોજનાનો લાભ રાજ્યના છેવાડાના તમામ ખેડૂતોને સમાન રીતે મળે તેવા હેતુથી 'આઈ-ખેડૂત' પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે ખેડૂતોની અરજીઓ પાત્ર ઠરી હતી અને મંજૂર થઈ હતી, તેમને એક ચોક્કસ સમયમર્યાદાની અંદર આ કૃષિ સાધનોની ખરીદી કરી લેવા માટે સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી હતી.
પરંતુ, વ્યવહારિક સ્તરે અહીં એક મોટી તકલીફ ઊભી થઈ. બન્યું એવું કે, એકસાથે ઘણી મોટી સંખ્યામાં ખેડૂતોની અરજીઓ પોર્ટલ પર મંજૂર થઈ ગઈ. હવે આટલા બધા ખેડૂતો એકસાથે બજારમાં ઓજારો ખરીદવા જાય, ત્યારે ઉત્પાદકો માટે પણ નિયત સમયમાં આટલા બધા સાધનો બનાવીને પહોંચાડવા મુશ્કેલ બની ગયા હતા. આ સમસ્યા સામે આવતા વિવિધ ખેડૂતો, સ્થાનિક ધારાસભ્યો, સંસદસભ્યો અને અન્ય ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે ખરીદી માટેનો સમય થોડો વધારી આપવામાં આવે તો સૌને સાધનો મળી શકે.
રાજ્ય સરકારે પણ આ રજૂઆતોને ખૂબ જ હકારાત્મક અને સંવેદનશીલ અભિગમથી લીધી. ખેડૂતોની આ વ્યાવહારિક મુશ્કેલીને સમજીને સરકારે મંજૂરી મેળવેલા ખેડૂતો માટે ખરીદીની મુદતમાં 15 દિવસનો વધારો કરી દીધો છે. એટલે કે, હવે ખેડૂતોને અગાઉ જે છેલ્લી તારીખ આપવામાં આવી હતી, ત્યાર પછીના વધુ 15 દિવસ સુધી તેઓ નિરાંતે પોતાના મંજૂર થયેલાં કૃષિ સાધનોની ખરીદી કરી શકશે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને અપીલ કરી છે કે મુદત વધારી અપાઈ છે ત્યારે સરકારની આ યોજનાનો મહત્તમ લાભ ચોક્કસથી લેવો જોઈએ