મોદી મંત્રીમંડળમાંથી 30 મંત્રીઓની છૂટ્ટી કે તેમના વિભાગ બદલાવાની શક્યતા!
સુધાંશુ ત્રિવેદીથી લઈને અનુરાગ ઠાકુર, રાજીવ પ્રતાપ રુડી અને તેજસ્વી સૂર્યાથી લઈને બાંસુરી સ્વરાજ સુધી અનેક નેતાઓ કતારમાં હોવાનું જણાવાય રહ્યું છે
હવે લોકસભાની ચૂંટણીને અઢી વર્ષ જેવો સમય બાકી છે અને 2027 અને 2028 દરમિયાન ઘણાં મહત્ત્વના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. આ વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ જેવી હશે.
ભાજપના નવા અધ્યક્ષ નીતિન નવીને પોતાની ટીમનું એલાન કર્યું અને તેમાં 65 લોકોની ટીમમાં માત્ર 14 લોકોને રિપીટ કર્યા અને 51 નવા ચહેરા સામેલ કર્યા. કેટલાક જૂના લોકોની પણ વાપસી થઈ. આ ભાજપ સંગઠનની નવી ટીમમાં લોકસભા ચૂંટણી સુધીના રોડમેપની એક રાજકીય ડિઝાઈન પણ ઉપસી આવે છે. જાણકારો માની રહ્યા છે કે કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળમાં સંભવિત વિસ્તરણ કે ફેરબદલ પણ કંઈક આવું જ હશે. એટલે કે મોટી સંખ્યામાં હાલના મંત્રીઓને મંત્રીમંડળમાંથી હટાવાય તેવી શક્યતા છે અને તેની સાથે કેટલાક જૂના ચહેરાની વાપસી પણ શક્ય છે.
એક જાણકાર સૂત્રને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે ઓછામાં ઓછા 30 મંત્રીઓની છૂટ્ટી થશે અથવા તેમના વિભાગને બદલવામાં આવશે. એમ પણ કહેવામાં આવે છે કે જદે ચર્ચિત ચહેરાઓને નીતિન નવીનની ટીમમાં સ્થાન મળ્યું નથી, તેમને સરકારમાં મંત્રીમંડળમાં કામ કરવાની તક મળી શકે છે.
નીતિન નવીનની ટીમ બન્યા બાદ સૌથી વધુ ચર્ચા પિયૂષ ગોયલના મંત્રી પદે યથાવત રહેવાને લઈને છે. તેમને ભાજપના રાષ્ટ્રીય ખજાનચીની જવાબદારી મળી છે. જાણકાર સૂત્રો મુજબ, તેમના મંત્રી પદે યથાવત રહેવાની સંભાવના વધારે છે. તેઓ કેટલોક સમય સુધી બંને પદની જવાબદારી નિભાવે તેવી શક્યતા છે. આ પ્રકારની એક ચર્ચા છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલય ભલે પ્રભારી તરીકે પ્રહલાદ જોશી સંભાળી રહ્યા છે, પરંતુ તેમની પાસે આના સિવાય બે મંત્રાલય છે. તેથી બની શકે કે તેમને પૂર્ણકાલિન શિક્ષણ મંત્રી બનાવવામાં આવે. પરંતુ એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણને શિક્ષણ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.
આ ત્યારે થશે કે જ્યારે વડાપ્રધાન નક્કી કરશે કે ટોચના પાંચ મંત્રાલયમાં પરિવર્તન કરવું છે અથવા મંત્રીમંડળની સુરક્ષા મામલાની સમિતિની સંરચના બદલવી છે. કહેવામાં આવે છે કે જો નાણાં મંત્રાલય છોડીને નિર્મલા સીતારમણને શિક્ષણ મંત્રાલય આપવામાં આવે, તો અશ્વિની વૈષ્ણવની લોટરી લાગી શકે છે. તેઓ નાણાં મંત્રી બને તેવી સંભાવના છે. તેઓ નાણાં મંત્રી બનશે તો એક સાથે રેલવે, માહિતી-પ્રૌદ્યોગિકી અને મહિતી તથા પ્રસારણ એમ ત્રણ મંત્રાલય ખાલી થશે. જો કે કોઈ જાણીતા અર્થશાસ્ત્રીને પણ નાણાં મંત્રી બનાવવામાં આવે, તેવી સંભાવનાને લઈને પણ ગણગણાટ ચાલી રહ્યો છે. જો આવું થશે, તો સીસીએસની સાથે સીસીઈમાં પણ પરિવર્તન થશે.
પરિવર્તન હવે એકદમ આવશ્યક એટલા માટે દેખાઈ રહ્યું છે, કારણ કે ત્રણ મંત્રીઓના રાજીનામા થઈ ચુક્યા છે. જેમાં જોર્જ કુરિયન, રવનીતસિંહ બિટ્ટૂ અને ધર્મેન્દ્ર પ્રધાન સામેલ છે. આ સિવાય ત્રણ મંત્રીઓ પિયૂષ ગોયલ, હર્ષ મલ્હોત્રા અને પંકજ ચૌધરી બેવડી જવાબદારી નિભાવી રહયા છે. હર્ષ મલ્હોત્રા દિલ્હીના અને પંકજ ચૌધરી યુપીના પ્રદેશ પ્રમુખ થઈ ગયા છે.
ગોયલને રાષ્ટ્રીય ખજાનચી બનાવાયા છે. સરકારને લગભગ અઢી વર્ષ જેવો સમય વિતી ચુક્યો છે અને આગામી વર્ષે પાંચ મહત્ત્વના રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે દ્રષ્ટિએ પણ પરિવર્તનને રાજકીય રીતે જરૂરી માનવામાં આવે છે. જણાવાય રહ્યું છે કે નીતિન નવીનની ટીમમાંથી બહાર કરવામમાં આવેલા અથવા તેમાં સ્થાન નહીં મેળવી શકેલા કેટલાક નેતાઓને સરકારમાં સ્થાન મળી શકે છે.
આમા સુધાંશુ ત્રિવેદીથી લઈને અનુરાગ ઠાકુર, રાજીવ પ્રતાપ રુડી અને તેજસ્વી સૂર્યાથી લઈને બાંસુરી સ્વરાજ સુધી અનેક નેતાઓ કતારમાં હોવાનું જણાવાય રહ્યું છે. સરકારમાં નવી પેઢીનું નેતૃત્વ વધારવામાં આવશે, તે નિશ્ચિત મનાય છે. તેથી ઘણાં નવા ચહેરા -યુવા ચહેરા મંત્રીમંડળમાં જોવા મળે તેવી શક્યતા છે.