"હિંદુ બિચારો કન્ફ્યૂઝ છે": કેજરીવાલે શા માટે કહી આ વાત?
કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવેદનોના અંતરને લઈને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર આકરા રાજકીય વાકપ્રહારો કર્યા છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવેદનોના અંતરને લઈને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર આકરા રાજકીય વાકપ્રહારો કર્યા છે.
કેજરીવાલે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેયર કરીને કટાક્ષ કર્યો છે કે બંને નેતાઓની વિરોધાભાસી વાતોથી આમ હિંદુ કન્ફ્યૂઝ થઈ ગયો છે.
કેજરીવાલે એક્સ પર કટાક્ષ કરતા લખ્યું છે કે મોહન ભાગવતજી કહી રહ્યા છે કે દરેક હિંદુએ વધુમાં વધુ બાળકો પેદા કરવા જોઈએ. રેખા ગુપ્તાજી કહી રહ્યા છે કે ત્રણથી વધુ બાળકો હોવા પર દિલ્હી લક્ષ્મી યોજનાનો લાભ નહીં મળે. હિંદુ બિચારો કન્ફ્યૂઝ છે. રેખાજી અને ભાગવતજી મળીને જણાવે કે હિંદુઓએ આખરે શું કરવાનું છે.

આ આખો મામલો બે અલગ-અલગ નિવેદનો અને એક નવી સરકારી નીતિના પરસ્પર ટકરાવા સાથે જોડાયેલો છે.
આરએસએસના એક કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ઘટતા જન્મદર અને વસ્તી અસંતુલનને ટાંકીને ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યુ હતુ કે દેશના દરેક નાગરિક અને હિંદુ પરિવારોએ ત્રણ કે તેનાથી વધારે બાળકો પેદા કરવા જોઈએ, જેથી સમાજની વસ્તી સંતુલિત રહે.
તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની કેબિનેટે દિલ્હી લક્ષ્મી યોજનાના નિયમો અને દિશાનિર્દેશોને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની આર્થિક મદદ મળવાની છે. જો કે યોજનાની શરતોમાં સ્પષ્ટ છે કે આ લાભ માત્ર તે મહિલાઓ અથવા પરિવારોને મળશે જેમના ત્રણ કે ત્રણથી ઓછા બાળકો છે.