ઇસ્કોન બ્રિજ પર પૂરઝડપે દોડતી કાર ડિવાઇડર સાથે અથડાઈ, સદનસીબે યુવકનો બચાવ
અકસ્માતનો મેસેજ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાં કારચાલક પણ હાજર હતો. તેણે પોલીસને જણાવ્યું કે, તે રાત્રે ગાંધીનગરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે સ્પીડમાં કાર ચલાવતા તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું.
અમદાવાદના એસ.જી. હાઈવે પર ઇસ્કોન બ્રિજ ઉપર વહેલી સવારે પૂરઝડપે દોડતી કાર બેકાબૂ બની ડાયવર્ઝન સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું, જો કે સદનસીબે કારચાલક યુવકને કોઈ ઈજા થઈ નહોતી.
ઓવર સ્પીડના કારણે કાર બેકાબૂ બની
પ્રાપ્ત વિગતો મુજબ, 20 વર્ષીય હેત સુનીલભાઈ પરીખ ગાંધીનગરથી અમદાવાદ તરફ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. વહેલી સવારે આશરે 3:30 વાગ્યે ઇસ્કોન બ્રિજ પર વાઇડ એન્ગલ સામે પહોંચતા કારની સ્પીડ વધુ હોવાના કારણે તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કાબૂ ગુમાવ્યા બાદ કાર બ્રિજ પર મૂકવામાં આવેલા ડાયવર્ઝનના લોખંડના પતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગ સહિત બોનેટ, પાછળની ડેકી અને બંને સાઇડની બોડીમાં મોટું નુકસાન થયું હતું.
સદનસીબે યુવકનો બચાવ
અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હોવા છતાં સદનસીબે હેત પરીખને કોઈ ઈજા થઈ નહોતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તે સમયે કારચાલક પણ ઘટનાસ્થળે હાજર હતો અને પોલીસે તેની પૂછપરછ કરી હતી.
પોલીસને જણાવ્યું હતું કે તે ગાંધીનગરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો અને પૂરઝડપે કાર ચલાવતી વખતે બેલેન્સ ગુમાવતાં કાર ડાયવર્ઝન સાથે અથડાઈ હતી.
જાહેર માર્ગ પર બેફામ ડ્રાઇવિંગ બદલ ફરિયાદ
આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હોવા છતાં જાહેર માર્ગ પર પૂરઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ પોલીસે હેત પરીખ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર ઘટનાને પગલે એસ.જી. હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની સ્થિતિ પણ પ્રભાવિત થઈ હતી.