વડોદરાના પાદરામાં ચાલીને જતાં દાદી-પૌત્રી ખાડામાં ખાબક્યા, સ્થાનિકોએ દોડી આવી બંનેને બચાવ્યા
વડોદરાના પાદરામાં જાસપુર ચોકડી નજીક દાદી-પૌત્રી રસ્તા પરના ઊંડા ખાડામાં ખાબક્યાં. સ્થાનિક દુકાનદારો અને રહીશોએ તાત્કાલિક બંનેને સલામત બહાર કાઢી મોટી દુર્ઘટના ટાળી
વડોદરાના પાદરામાં રસ્તા પર ખોદાયેલા ખાડાને કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. જાસપુર ચોકડી નજીક આવેલા સિટી સેન્ટર પાસે નવી ગટર લાઈન નાખ્યા બાદ ખાડાનું યોગ્ય રીતે પુરાણ ન કરાતા રસ્તેથી પસાર થઈ રહેલી દાદી અને તેમની પૌત્રી અચાનક ઊંડા ખાડામાં ખાબક્યાં હતાં.
મળતી માહિતી મુજબ, મહિલા પોતાની પૌત્રી સાથે રસ્તા પરથી ચાલીને જઈ રહી હતી. દરમિયાન અચાનક બંને ખોદાયેલા ઊંડા ખાડામાં પડી જતાં ચીસાચીસ થઈ હતી. ઘટનાને પગલે આસપાસના દુકાનદારો અને સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ સમયસૂચકતા દાખવી બંનેને ખાડામાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે બંનેને સ્થાનિકોની મદદથી સમયસર બહાર કાઢી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નવી ગટર લાઈન નાખ્યા બાદ ખાડાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું ન હોવાથી રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને રાત્રિના સમયે ખાડો દેખાતો ન હોવાથી વધુ ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ ગટર લાઈનનું કામ પૂર્ણ થયા બાદ રસ્તા પરના ખાડાનું યોગ્ય પુરાણ કરી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે.