રાજકોટ સિવિલ લાફા કાંડમાં સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મોનાલીને હટાવાયા, ગાળો આપનાર ડૉ. રામાણીની અટકાયત
વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આરોપી ડૉક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ મોકલવામમાં આવ્યો છે અને તેમને હાલ ફરજ પરથી દૂર રહેવાની લેખિત સૂચના અપાઈ છે
રાજકોટની પીડીયૂ સિવિલ હોસ્પિટલમમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો, ગાળાગાળી અને ધમકી આપવાની 20 ઓગસ્ટની ઘટનાના મામલામાં પોલીસે આરોપી સિનિયર તબીબ અશ્વિન રામાણીની અટકાયત કરી છે. પદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાતા અને તબીબોની સુરક્ષા ખાતરી મળતા જૂનિયર તબીબોએ હડતાળ સમેટી લીધી છે.
આ સિવાય આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મોનાલી માંકડિયાને હટાવીને તેમના સ્થાને નેફ્રોલોજી વિભાગના ડૉ. કમલ ડોડિયાને નવા સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આરોપી ડૉક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ મોકલવામમાં આવ્યો છે અને તેમને હાલ ફરજ પરથી દૂર રહેવાની લેખિત સૂચના અપાઈ છે.
પીડિત રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા શીંગાળાએ કહ્યું કે દર્દીના ઈલાજને લઈને થોડી ગેરસમજ અને મગજમારી થઈ હતી. તે વખતે મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે અશોભનીય શબ્દોનો ઉપયોગ કરીને મારા પર હાથ ઉપાડયો હતો. સાથે આવા અધિકારીઓ તેમની આસપાસ કે હોસ્પિટલમાં ન દેખાવા જોઈએ તેવી માંગ પણ કરી છે.
ફરિયાદી ડૉ. ક્રિશા શીંગાળાના પિતા નિલેશભાઈએ ક્હ્યુ છે કે હોસ્પટિલના ડોક્ટરો અને સત્તાવાળાઓએ ગઈકાલે ન્યાયની ખાતરી આપી હતી. ખુદ આરોગ્ય મંત્રીએ પણ દીકરી સાથે ટેલિફોનિક વાતચીત કરી આજરોજ સાંજે 6 વાગ્યા પહેલા ન્યાય આપવાની ખાતરી આપી હતી.
ડૉ. ક્રિશાના માતા ભારતીબહેને કહ્યું છે કે તેમની દીકરી ક્રિશા પીડીયૂ હોસ્પિટલમાં આર-1 રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. અશ્વિન રામાણીએ ગાળાગાળી કરીને હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો, જે અયોગ્ય છે. તેમણે ગેરવર્તન સામે તંત્ર દ્વારા કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી સ્પષ્ટ માગણી પણ કરી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે અગાઉ પણ ડૉ. ક્રિશાએ ડૉ. અશ્વિન રામાણી સામે ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી અને ફરીથી ઘટના બની છે. બીજી તરફ દવાની હેરાફેરી સહીતના મુદ્દાઓમાં કાર્યવાહી ન થતાં મીડિયાએ પણ ડૉ. મોનાલીને આકરા સવાલો કર્યા હતા. ઘટનાના પગલે આરોગ્ય વિભાગે ડૉ. મોનાલી માંકડિયાની બદલી કરી છે.