STમાં 15 દિવસના ભાડામાં 30 દિવસનો પ્રવાસ, દૈનિક અપડાઉન કરનારાઓને GSRTCની મોટી રાહત
GSRTCના આ નિર્ણયથી રાજ્યના નોકરિયાત, વેપારીઓ અને નાના-મોટા ધંધાર્થીઓને મોટો લાભ પ્રાપ્ત થયો છે. આવા લાભાર્થીઓની સંખ્યા આશરે અઢી લાખ જેટલી થાય છે.
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)એ દૈનિક અપડાઉન કરનારા પ્રવાસીઓને મોટી રાહત આપી છે. દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડામાં રાહતનો વધારો કરીને પ્રવાસીઓને 50 ટકા સુધીની સીધી બચતનો લાભ કરતો નિર્ણય GSRTC દ્વારા લેવામાં આવ્યો છે.
પહેલા દૈનિક અપડાઉન કરનારા પ્રવાસીઓ પાસેથી 18 દિવસનું ભાડું લેવામમાં આવતું હતું, તેને હવે ઘટાડીને 15 દિવસનું કરવામાં આવ્યું છે. એટલે કે માત્ર 15 દિવસના ભાડાંની ચુકવણી કરીને સતત 30 દિવસ સુધી પ્રવાસ કરી શકાશે.
ત્રિમાસિક પાસમાં અગાઉ 90 દિવસના પાસ માટે 54 દિવસનું ભાડું ચુકવવું પડતું હતું. હવે માત્ર 45 દિવસનું ભાડું ચુકવની ત્રણ માસનો પાસ દૈનિક અપડાઉન કરનારા પ્રવાસીઓ કઢાવી શકશે.

GSRTCના આ નિર્ણયથી રાજ્યના નોકરિયાત, વેપારીઓ અને નાના-મોટા ધંધાર્થીઓને મોટો લાભ પ્રાપ્ત થયો છે. આવા લાભાર્થીઓની સંખ્યા આશરે અઢી લાખ જેટલી થાય છે. GSRTCનો આ નિર્ણય પ્રવાસીઓને આર્થિક રાહત મળવાની સાથે વધુ લોકો જાહેર પરિવહનની સેવાઓનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત થાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.