ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમના એલાને આપ્યા 5 મોટા રાજકીય સંદેશ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં 13 રાષ્ટ્રીય અધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહાસચિવ અને 16 રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી કેન્દ્રીય ટીમનું આખરે સોમવારે એલાન થઈ ગયું. આ નવી કારોબારી દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને વરિષ્ઠ રણનીતિકાર રામ માધવની ભાજપ સંગઠનમાં સત્તાવાર વાપસી થઈ છે.
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં 13 રાષ્ટ્રીય અધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહાસચિવ અને 16 રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે. આ સિવાય તમામ મોરચાના અધ્યક્ષોની ઘોષણા પણ કરી દેવામાં આવી છે.
નીતિન નવીનની ટીમમાં મહિલાઓ અને યુવાઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. નવી ટીમના માધ્યમથી ભાજપે ભવિષ્યના રાજકીય રોડમેપની રુપરેખા બનાવી છે. આની સાથે જ સંગઠનમાં નવી લીડરશિપ તૈયાર કરવાના ઉદેશ્યથી યુવાઓને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ભાજપે આ સંગઠનાત્મક પરિવર્તન દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી ધરાવતા રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમાં ઉત્તર પ્રદેશથી લઈને પંજાબ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોને અગ્રતા મળી છે. આ ફેરબદલમાં અરુણ કુમારની સંગઠનમાંથી છૂટ્ટી કરવામાં આવી છે, જ્યારે અન્ય દળોમાંથી ભાજપમાં સામેલ થયેલા નેતાઓને પણ સંગઠનમાં સ્થાન અપાયું છે. આ પ્રકારે નીતિન નવીનની નવી ટીમ દ્વારા ભાજપે પાંચ મોટા રાજકીય સંદેશ આપવાની કોશિશ કરી છે.
સ્મૃતિ ઈરાની-રામ માધવનો વનવાસ પુરો
ભાજપ અધ્યક્ષ નીતિન નવીન દ્વારા ઘોષિત રાષ્ટ્રીય કારોબારીમાં સ્મૃતિ ઈરાની અને રામ માધવની વાપસીથી તેમનો રાજકીય વનવાસ સમાપ્ત થઈ ગયો છે. સ્મૃતિ ઈરાની રાષ્ટ્રીય મહાસચિવ અને રામ માધવ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ભાજપ સંગઠનમાં પાછા ફર્યા છે.
મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા સ્મૃતિ ઈરાનીની સંગઠનમાં વાપસી કરાવીને ભાજપે ઉત્તર પ્રદેશમાં આગામી રાજકીય પડકારોનો સામનો કરવા માટે મોટો સંદેશ આપ્યો છે. રાજ્યના રાજકીય સમીકરણોને સાધવા માટે અને સંગઠનને મજબૂતાઈ આપવામાં તેમના અનુભવનો ઉપયોગ કરવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની વચ્ચે લાંબા સમય સુધી સમન્વયની ભૂમિકા નીબાવી ચુકેલા રામ માધવને પણ કેન્દ્રીય ટીમમાં પાછા લાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભાજપનો આધાર મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા રામ માધવને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવીને પાર્ટીએ પોતાની વૈચારીક અને રણનીતિક ક્ષમતાને સુદ્રઢ કરવાના સંકેત આપ્યા છે.
ભાજપની નવી ટીમમાં યુવાઓને મળી જગ્યા
ભાજપ અધ્યક્ષ નીતિન નવીન ખુદ 46 વર્ષના છે. માટે તેમણે પોતાની નવી કેન્દ્રીય ટીમમાં યુવા ચહેરાઓને ખાસ મહત્ત્વ આપવાનું કામ કર્યું છે. પાર્ટી સંગઠનમાં મોટાભાગના પદાધિકારીઓ યુવા છે. રાષ્ટ્રીય મહાસચિવોમાં વિનોદ તાવડે સિવાયના તમામ નેતાઓ 60 વર્ષથી ઓછી વયના છે. તેમાં સુનીલ બંસલ, બિપ્લબ દેબ, હરીશ દ્વિવેદી અને સ્મૃતિ ઈરાની જેવા મુખ્ય ચહેરા સામેલ છે.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોની યાદીમાં વસુંધરા રાજે સિંધિયા અને પ્રો. તારીખ મંસૂરને બાદ કરતા અન્ય તમામ પદાધિકારીઓની વય 65 વર્ષથી ઓછી છે. તેમના સિવાય નીતન નવીનની ટીમમાં 16 રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે, જેમાં કે. સુરેન્દ્રન, ડૉ. એમ. વેંકટેશન અને ડૉ. પ્રદીપ વર્માને બાદ કરતા અન્ય તમામ નેતાઓની વય 50 વર્ષથી ઓછી છે.
મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષોમાં પણ યુવાઓનો દબદબો જોવા મળી રહ્યો છે. લઘુમતી મોરચાની કમાન કુંવર બાસિત અલીને સોંપવામાં આવી છે અને તેમની વય 40 વર્ષની છે. ઓબીસી મોરચાના અધ્યક્ષ અમરપાલ મૌર્ય 45 વર્ષના છે અને યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશી માત્ર 35 વર્ષના છે. ભાજપે સંગઠનમાં યુવા નેતાઓને પ્રાથમિકતા આપીને એક મોટો રાજકીય અને સંગઠનાત્મક સંદેશ આપવાની કોશિશ કરી છે.
ચૂંટણીવાળા રાજ્યો પર ભાજપનું ફોકસ
ભાજપે ચૂંટણી વાળા રાજ્યો પર ફોકસ કરતા નીતિન નવીનની નવી ટીમનું ગઠન કર્યું છે. આગામી વિધાનસભા ચૂંટણીઓ ખાસ કરીને 2027માં જ્યાં યોજાવાની છે, તેને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આવા રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગુજરાત અને દિલ્હી જેવા રાજ્યોના નેતાઓને મુખ્ય પદો પર વિશેષ સ્થાન અપાયું છે. નીતિન નવીનની ટીમમા ંયુપીનો ખાસ દબદબો છે. જેમાં 2 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો, બે રાષ્ટ્રીય મહાસચિવ, બે રાષ્ટ્રીય સચિવ અને બે મોરચામાં યુપીના નેતાઓને સ્થાન અપાયા છે.
નવી ટીમમાં ઉત્તરપ્રદેશના તારિક મંસૂર અને રેખા વર્માના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, સ્મૃતિ ઈરાની અને હરીશ દ્વિવેદીના રાષ્ટ્રીય મહાસચિવ, ડૉ. ભોલા સિંહ અને સંગીતા યાદવને રાષ્ટ્રીય સચિવ તરીકેનો પદભાર ભાજપ સંગઠનમાં સોંપવામાં આવ્યો છે.
ઉત્તરાખંડની તસ્વીર કંઈક અલગ છે. નવી ટીમમાં પૂર્વ મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેની સાથે જ મહેન્દ્ર પાંડેને રાષ્ટ્રીય કાર્યાલય મંત્રી, અનિલ બલૂનીને મીડિયા સંયોજક અને આલોક ભટ્ટને સોશયલ મીડિયા સહ-સંયોજકની જવાબદારી અપાઈ છે. પંજાબમાંથી ત્રણ નેતાઓને સંગઠનમાં સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સરદાર મનપ્રીત સિંહ બાદલ બન્યા છે, તો રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારીની જવાબદારી તરુણ ચુઘને મળી છે.
ગુજરાતમાંથી ચાર નેતાઓને ભાજપ સંગઠનમાં સ્થાન મળ્યું છે. જેમાં વર્ષાબહેન નરેન્દ્રભાઈ દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સચિવ અને યુવા મોરચામાં ગુજરાતમાંથી આવનારા જગદીશ ઈશ્વરભાઈ પટેલને પદભાર સોંપવામાં આવ્યો છે.
મહિલાઓને પ્રાથમિકતા અપાઈ
નીતિન નવીનની નવી રાષ્ટ્રીય કારોબારીમાં મહિલા ભાગીદારીને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. પાર્ટી બંધારણ મુજબ, સંગઠનમાં 33 ટકા મહિલા અનામતને નવી ટીમના ગઠનમાં સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યું છે. નીતિન નવીનની આ ટીમમાં કૂલ 13 ઉપાધ્યક્ષોમાંથી 6 મહિલાઓ છે. આ પ્રકારે આ આંકડો 33 ટકાથી પણ ઘણો વધારે છે અને લગભગ 50 ટકાની નજીક છે. આ સિવાય એક મહિલા નેતા તરીકે સ્મૃતિ ઈરાનીને મહાસચિવ બનાવાયા છે. આ પ્રકારે ચાર મહિલાઓને રાષ્ટ્રીય સચિવ તરીકે સ્થાન અપાયું છે.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોમમાં વસુંધરા રાજે સિંધિયા, ડી. પુરંદરેશ્વરી, રેખા વર્મા અને વર્ષાબહેન નરેન્દ્રભાઈ દોશી અને ભારતી પ્રવીણ પવારને નિયુક્ત કરવામાં આવ્યા છે. સચિવ તરીકે કવિતા પાટીદાર, એસ. ફાંગ્નોન કોન્યક અને સંગીતા યાદવને સ્થાન મળ્યું છે. મહિલા મોરચાની કમાન છત્તીસગઢથી લોકસભાના સાંસદ રુપકુમારી ચૌધરીને અપાઈ છે.