ગુજરાત વિધાનસભા, ગાંધીનગર કોર્ટ, અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, "ગુજરાત બોલશે ખાલિસ્તાન જિંદાબાદ" લખીને મોકલાયો ઈમેલ
10 મહિનામાં અમદાવાદની જુદીજુદી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની આ છઠ્ઠી ધમકી મળી છે
ગુજરાતની વિધાનસભા, ગાંધીનગરની કોર્ટ અને અમદાવાદમાં 3 સ્કૂલોને આજે 10 સપ્ટેમ્બરે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ગુજરાત બોલશે ખાલિસ્તાન જિંદાબાદ- લખીને બપોરે 1.11 વાગ્યે સ્કૂલમાં અને 2.11 વાગ્યે કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો હતો. સુરક્ષાને લઈને ડોગ સ્ક્વોર્ડ અને પોલીસની તપાસ દરમિયાન વિધાનસભામાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને વિધાનસભાની કાર્યવાહી રાબેતા મુજબ સમયસર શરૂ થઈ હતી.
અમદાવાદના બોપલની ડીપીએસ, વેજલપુરની ઝાયડસ સ્કૂલ અને થલતેજની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાનો મેઈલ મળ્યો હતો. તેના પછી વાલીઓને તેમના બાળકોને તાત્કાલિક ઘરે લઈ જવાની સૂચના આપવામાં આવી હતી. જેના કારણે વાલીઓમાં દોડધામ મચી હતી. બોમ્બ થ્રેટના મેઈલની જાણ થતા જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઝાયડસ સ્કૂલ પર પહોંચી હતી અને તાત્કાલિક સ્કૂલને ખાલી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. જો કે ત્યાંથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. તેના પછી બપોરની પાળી રાબેતા મુજબ ચાલુ છે.

ડીઈઓ રોહિત ચૌધરી મુજબ, તમામ સ્કૂલોએ ધમકી અંગેનો ઈમેલ મળ્યો હોય તો તેને તપાસવા જણાવ્યું હતું. જે સ્કૂલમાં ઈમેલ મળ્યો હોય તે સ્કૂલે પોલીસને જાણ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. 10 મહિનામાં અમદાવાદની જુદીજુદી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની આ છઠ્ઠી ધમકી મળી છે.
આ સિવાય ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ બોમ્બની ધમકી મળી હતી. સવારના સમયે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઈમેલ કરીને ધમકી અપાઈ હતી. આ મેલ મળતા જ કોર્ટ સંકુલમાં હાજર સૌમાં ફફડાટ સર્જાયો હતો. સુરક્ષાના ભાગરુપે આખા કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું અને વકીલો તેમજ નાગરિકો સલામત અંતરે બહાર આવી ગયા હતા.