જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પૂરાયો, પ્રવાસીઓ માટે કિલ્લો ફરીથી ખુલ્યો
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા પરિસરમાં થોડાક દિવસથી દીપડાનઆ આંટાફેરા જોવા મળ્યા હતા અને તેના કારણે સ્થાનિક તંત્ર અને પ્રવાસીઓમાં ચિંતાનો માહોલ હતો.
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં વન વિભાગ અને સ્થાનિક તંત્રની ભારે જહેમત બાદ દીપડો પાંજરે પુરવામાં સફળતા મળી છે. તેની સાથે જ ઉપરકોટ કિલ્લાને પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવ્યો છે.
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા પરિસરમાં થોડાક દિવસથી દીપડાનઆ આંટાફેરા જોવા મળ્યા હતા અને તેના કારણે સ્થાનિક તંત્ર અને પ્રવાસીઓમાં ચિંતાનો માહોલ હતો. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉપરકોટ કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા તાત્કાલિક દીપડાને પકડવાની કાર્વાહી હાથ ધરાઈ હતી. વન વિભાગની અનુભવી ટીમ, શાર્પ શૂટર્સ અને ટ્રેકર્સ દ્વારા કિલ્લાાના અટપટા ભૌગોલિક વિસ્તારમાં સતત મોનિટરિંગ અને સઘન શોધખોળ શરૂ કરાઈ હતી.
વન વિભાગની ટીમે કિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પાંજરાં ગોઠવીને અને યોગ્ય માંસ પૂરું પાડીને દીપડાને સલામત રીતે પકડવાની રણનીતિ બનાવી હતી. કલાકોની સખત મહેનત અને વ્યૂહાત્મક આયોજનના પરિણામે, વન વિભાગની ટીમે દીપડાને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સફળતાપૂર્વક પાંજરે પૂરી લીધો હતો. રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ દીપડાનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ છે.
દીપડો પકડાતા જ પ્રશાસન અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવતાં અને સુરક્ષાની ખાતરી મળતાં ઉપરકોટ કિલ્લાને પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી દરમિયાન વન વિભાગે માનવ સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન જાળવ્યું છે. પ્રવાસીઓની સુરક્ષા નિશ્ચિત કરવાની સાથે વન્યજીવનનું જતન પણ તેટલું જ મહત્વપૂર્ણ છે, તે વાત વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરી પરથી ફરી એકવાર સાબિત થઈ છે.