અમદાવાદ જિલ્લાના સાણંદની આસપાસ દીપડો મારી રહ્યો છે આંટાફેરા, સાવધ રહેજો
સાણંદની સીમમાં તેમજ સાણંદથી મોટી દેવતી ગામ તરફ જવાના માર્ગ અને તેની આસપાસના વિસ્તારમાં દીપડાના પંજાના નવા નિશાન મળ્યા છે
અમદાવાદના ઘુમા-બોપલ વિસ્તારની એક સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં દીપડો દેખાયા બાદ તેને લઈને જુદાંજુદાં વિસ્તારોમાં આશંકાઓ વ્યક્ત કરાતી ચર્ચાઓ વહેતી થઈ હતી. પણ હવે નવી અપડેટ મુજબ, અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારની આસપાસ દીપડાની હાજરીના અહેવાલ છે અને તેને લઈને સ્થાનિકોમાં ફફડાટ છે. જે સ્થળે દીપડાની હાજરી જણાઈ હતી, તે સિવાયના અન્ય વિસ્તારોમાંથી પણ દીપડાના પંજાના નિશાન મળ્યા છે. તેને કારણે ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.
સાણંદની સીમમાં તેમજ સાણંદથી મોટી દેવતી ગામ તરફ જવાના માર્ગ અને તેની આસપાસના વિસ્તારમાં દીપડાના પંજાના નવા નિશાન મળ્યા છે. ગઈકાલે મોટી દેવતી ગામ જવાના માર્ગ પર આવેલા એક ઈંટના ભઠ્ઠા નજીક દીપડાના સેંકડો નિશાન મળી આવ્યા હતા. તેના પછી આજે વધુ એક નવા વિસ્તારમાં તેની ફૂટ પ્રિન્ટ મળી આવતા દીપડો આસપાસના વિસ્તારમાં સક્રિય હોવાની પુષ્ટિ થઈ છે.
વનવિભાગે ગઈકાલે જ દીપડાને પુરવા માટે ઈંટના ભઠ્ઠા નજીક પાંજરુ ગોઠવ્યું છે. જો કે તમામ પ્રયાસો છતાં દીપડો હજી સુધી પકડમાં આવ્યો નથી. વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારના ગામોમાં નાઈટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને સ્થાનિકોને પણ રાત્રિ દરમિયાન બિનજરૂરી અવરજવર નહીં કરીને સાવચેત રહેવા સૂચન કરાયું છે.