સુરેન્દ્રનગર: લખતરના ઓળક ગામમાં પૂરમાં ફસાયેલા 27 લોકોનું રેસ્ક્યૂ, જુઓ Video
ફાયરબ્રિગેડની ટીમે બોટ સાથે રેસ્ક્યૂ શરૂ કર્યું. ઓપરેશનમાં ફસાયેલા કુલ 27 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા. જેમાં 13 મહિલાઓ, 4 બાળકો અને 10 પુરુષોનો સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઓળક ગામમાં ભારે વરસાદને કારણે નીચાણાવાળા ક્ષેત્રોમાં અચાનક વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પુર જેવી સ્થિતિમાં વહીવટી તંત્ર 10 જ મિનિટમાં હરકતમાં આવ્યું અને નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઓળકમાં જળસ્તર વધતાં સ્થાનિકો ફસાયાની માહિતી સુરેન્દ્રનગરના વહીવટી તંત્રને થઈ હતી. સ્થિતિની ગંભીરતાને જોતા પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, મામલતદાર, ટીડીઓ અને પોલીસ કાફલો 10 મિનિટમાં ઓળક પહોંચ્યો હતો.
ફાયરબ્રિગેડની ટીમે બોટ સાથે રેસ્ક્યૂ શરૂ કર્યું. ઓપરેશનમાં ફસાયેલા કુલ 27 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા. જેમાં 13 મહિલાઓ, 4 બાળકો અને 10 પુરુષોનો સમાવેશ થાય છે.
ઓળકમાં મોડી રાત્રે શરૂ થયેલું રેસ્ક્યૂ ઓપરેશન સવારે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આ બચાવ કામગીરીમાં ટીડીઓ, એટીડીઓ, મામલતદાર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમને સફળતાપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ કર્યું હતું.