સુરત નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ હતા સવાર
મામલાની જાણ જીઆરપી અને રેલવે સુરક્ષા દળને થતાં તેના ઉચ્ચાધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરીને એક શકમંદને રાઉન્ડઅપ કર્યો છે
વંદે ભારત ટ્રેનો પર પથ્થમારાની ઘટના અવાર-નવાર બનતી રહે છે. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત નજીક પથ્થરમારો થયો હતો. આ ઘટના સાંજે 6.30થી 6.45 વાગ્યાની વચ્ચે થઈ હતી. સુરતના ઉતરાણ અને કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે પથ્થરમારો થયો હતો.
ટ્રેન જ્યારે સુરત સ્ટેશનથી ઉપડીને ઉતરાણ નજીક પહોંચી તો અસામાજીક તત્વો દ્વારા ટ્રેનને નિશાન બનાવીને પથ્થર ફેંકવામાં આવ્યા હતા. ત્યારે ટ્રેનમાં એક્ઝિક્યુટિવ કોચમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ પ્રવાસ કરી રહ્યા હતા. પથ્થરમારાની ઘટનામાં આનંદીબહેન પટેલ અને પ્રફુલ્લ પટેલ સહીત કોઈપણ પ્રવાસીને ઈજા થઈ નથી અને સૌ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આ મામલાની જાણ જીઆરપી અને રેલવે સુરક્ષા દળને થતાં તેના ઉચ્ચાધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરીને એક શકમંદને રાઉન્ડઅપ કર્યો છે. તેની આકરી પૂછપરછ કરીને પથ્થરમારાની પાછળના હેતુને જાણવાની કોશિશ થઈ રહી છે.
પોતાના ગુજરાત અને સંઘપ્રદેશના પ્રવાસ દરમિયાન આનંદીબહેન પટેલે વાપીથી અમદાવાદ સુધીની સફર વંદે ભારત ટ્રેનમાં કરી હતી. તેમણે ટ્રેનમાં સવાર જાણીતા ફિલ્મ અને ટીવી કલાકાર અનંગ દેસાઈ તેમજ અન્ય સહયાત્રીઓ સાથે મુલાકાત કરીને સિનેમા અને સામાજિક વિષયો પર ચર્ચા કરી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે આનંદીબહેન પટેલે સંઘપ્રદેશ દમણ અને દીવ ખાતે આયોજીત મોન્સૂન ફેસ્ટિવલ 2026ની ભવ્ય સાંસ્કૃતિક પરેડને ફ્લેગ ઓફ કરાવ્યો હતો. આ સિવાય સિલ્વાસા ખાતે નમો મેડિકલ હોસ્પિટલની મુલાકાત લઈને આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર શાળાની પણ મુલાકાત લીધી હતી.