સુરતમાં હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી પર દરોડો, 8 યુવતીઓ સહીત 22 ઝડપાયા
દારુ પાર્ટીમાં ખાસ ડ્રિંકિંગ ગેમ્સ પણ રમાતી હતી. લુડો, સાપસીડી અને પત્તાની રમતોને દારુ પીવાના નિયમો સાથે સાંકળીને આ લોકો ગેમ્સ રમી રહ્યા હતા.
સુરતના ડુમસમાં રિદ્ધિ જરીવાલા નામની મેકઅપ આર્ટિસ્ટ યુવતીના બર્થડેની હાઈપ્રોફાઈલ પાર્ટીમાં મોડી રાત્રે પોલીસે દરોડો પાડયો હતો. સુલતાનાબાદની બાપુજીની વાડીમાં આવેલા જશ્ન વિલા 12-એ ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની મહેફિલ પર ડુમસ પોલીસ બાતમીના આધારે ત્રાટકી હતી.
આ દરોડોમાં 8 યુવતીઓ અને 14 યુવકો સહીત કુલ 22 લોકો ઝડપાયા હતા. પોલીસે વિદેશી દારુ, લક્ઝરી કાર, મોબાઈલ ફોન સહીત 1.4 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાત્રે આશરે અઢી વાગ્યે પોલીસ દરોડા વખતે ફાર્મ હાઉસમાં યુવક-યુવતીઓ દારુ પી રહ્યા હતા અને વિવિધ ગેમ્સ રમી રહ્યા હતા. ઝડપાયેલા લોકોની વય 21થી 27 વર્ષ વચ્ચેની છે. આ હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી ડુમસ પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર ચાલી રહી હતી. આ ફાર્મ હાઉસની નજીક માત્ર 50 મીટરના અંતરે વ્યસન મુક્તિ કેન્દ્ર છે.
દારુ પાર્ટીમાં ખાસ ડ્રિંકિંગ ગેમ્સ પણ રમાતી હતી. લુડો, સાપસીડી અને પત્તાની રમતોને દારુ પીવાના નિયમો સાથે સાંકળીને આ લોકો ગેમ્સ રમી રહ્યા હતા. પાસા અથવા પત્તાના નંબરના આધારે કે કાર્ડના આધારે કોણ કેટલો દારુ પીવે તે નક્કી કરવામાં આવતું હતું.
પોલીસે તપાસ શરૂ કરીને ફાર્મહાઉસ કોને, કેટલા ભાડે અને ક્યાં ઉદેશ્યથી અપાયું તેની જાણકારી મેળવવાનું શરૂ કર્યું છે. ફાર્મ હાઉસના માલિકનું નિવેદન પણ લેવામાં આવશે. દારુનો જથ્થો ક્યાંથી આવ્યો તેની પણ પોલીસ દ્વારા તપાસ થશે. ડુમસ પોલીસે 22 યુવક-યુવતીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.