વડોદરા SSG હોસ્પિટલમાંથી ભાગેલો દુષ્કર્મનો આરોપી 11 કલાકે હાથ લાગ્યો, પોલીસને ધક્કો મારી થયો હતો ફરાર
વડોદરા ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે 11 કલાકની શોધખોળના અંતે આરોપીને છાણી કેનાલ વિસ્તારમાંથી દબોચ્યો હતો
વડોદરા એસએસજી હોસ્પટિલમાં ગુરુરવારે સારવાર માટે લાવવામાં આવેલો બળાત્કાર અને પોક્સો કેસનો આરોપી ગોવિંદ રમેશભાઈ મહોણીયા ઈન્જેક્શન આપવા માટે હાથકડી કોલતા જ પોલીસકર્મીને ધક્કો મારીને ફરાર થયો હતો.
રાવપુરા પોલીસ અને ડ્રોનની મદદથી પાંચ કલાકની ભારે શોધખોળ બાદ પણ તેનો અત્તોપત્તો લાગ્યો ન હતો. જેને કારણે વડોદરા ક્રાઈમ બ્રાંચે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે 11 કલાકની શોધખોળના અંતે આરોપીને છાણી કેનાલ વિસ્તારમાંથી દબોચ્યો હતો. આ આરોપી હોસ્પિટલમાંથી ફરાર થયા બાદ પોલીસથી બચવા માટે 15 કિલોમીટર ચાલ્યો હતો.
દુષ્કર્મના આરોપી ગોવિંદ મહોણીયાને સ્કીન પ્રોબ્લેમ હોવાથી 6 ઓગસ્ટે પોલીસ જાપ્તા હેઠળ એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બપોરે 11.45 વાગ્યે હોસ્પિટલની કેન્ટીન નજીક બીજું ઈન્જેક્શન આપતા પહેલા તેની હાથકડી ખોલવામાં આવી હતી. તકનો લાભ ઉઠાવીને પોલીસકર્મીને ધક્કો મારીને મુઠ્ઠીઓ વાળીને આરોપી ભાગી છૂટયો હતો. તે નિર્માણાધિન બિલ્ડિંગના બ્લોક્સની પાછળ છૂપાયો હતો. ત્યાં ડ્રોનથી પોલીસે તેને શોધવાની કોશિશ કરી હતી. પણ ત્યાંથી નીકળીને આરોપી 5 કલાક બાદ વિશ્વામિત્રી નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં ભરાયો હતો.
દિવાળીપુરા કોર્ટ પાસે પહોંચી એક વ્યક્તિનો ફોન માગીને ભાઈનો સંપર્ક કર્યો હતો. રાત્રે 8.30 વાગ્યે પરિવારને મળવા આવી રહ્યાનું જણાવ્યું હતું. વડોદરા ક્રાઈમ બ્રાંચે માહિતી મળતા છટકું ગોઠવ્યું હતું. આરોપી પોલીસથી બચવા માટે 15 કિલોમીટર ચાલીને છાણી કેનાલ પહોંચ્યો હતો.
ભાઈ-માતાને મળવા જાય તેના પહેલા જ ભાગેડુંને વડોદરા ક્રાઈમ બ્રાંચની ટીમે આંતર્યો. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ જ્યારે પોલીસને જોઈને ફરીથી તેણે ભાગવાની કોશિશ કરી, તો તે તેમાં સફળ થયો નહીં અને ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાય ગયો હતો.