ઈરાનનું હોર્મુઝ હવે અમેરિકાનો નવો વિસ્તાર!, ટ્રમ્પે નક્શો દેખાડી કર્યો દાવો
ઈરાન તરફથી કહેવામાં આવ્યું હતું કે હોર્મુઝ હજીપણ બંધ છે અને જ્યાં સુધી ઈરાનની શરતો સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી તેને ફરીથી ખોલવામાં નહીં આવે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ટ્રુથ સોશયલ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો એક નક્શો પોસ્ટ કર્યો છે, જેમાં તેને ન્યૂ યુએસ ટેરિટોરી (New U.S. Territory) તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. પોસ્ટ પર કરવામાં આવેલા ગ્રાફિકમાં ઈરાન અને ઓમાન વચ્ચે આવેલી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઘેરવામાં આવી છે અને તેના પર ન્યૂ યુએસ ટેરિટોરી (New U.S. Territory) લખવામાં આવ્યું છે.
આના થોડાક દિવસ પહેલા જ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ જલ્દીથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અમેરિકાનું ક્ષેત્ર ઘોષિત કરી શકે છે.
મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે પણ સોશયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશયલ પર દાવો કર્યો હતો. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે અમેરિકાનો હોર્મુઝ પર સંપૂર્ણ કંટ્રોલ છે અને તે તેને પોતાની પાસે જ રાખશે. તેમણે અમેરિકાના નૌસૈનિકોની નાકાબંધીને સ્ટીલની દીવાલ ગણાવતા કહ્યુ હતુ કે ઈરાન આના સંદર્ભે કંઈ કરી શકશે નહીં. ટ્રમ્પે કહ્યુ હતુ કે ઈરાનનું સૈન્ય માળખું સંપૂર્ણપણે નષ્ટ થઈ ચુક્યું છે અને દેશમાં 300 ટકા મોંઘવારી છે તથા તેની પાસે માત્ર નકલી ખબરો જ બચી છે.

ઈરાન તરફથી કહેવામાં આવ્યું હતું કે હોર્મુઝ હજીપણ બંધ છે અને જ્યાં સુધી ઈરાનની શરતો સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી તેને ફરીથી ખોલવામાં નહીં આવે.
ઈરાનનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નવા પ્રમુખ મોહસિન રજાઈએ એક્સ પર મેસેજ જાહેર કરીને તહેરાનના વલણને સ્પષ્ટ કરતા લખ્યું હતું કે ઈરાનનો સંદેશ સ્પષ્ટ છે કે જ્યાં સુધી અમેરિકા યુદ્ધ અને નાકાબંધી સમાપ્ત નહીં કરે, ઈરાનની જપ્ત મિલ્કતોને બહાલ નહીં કરે અને લેબનાન તથા ગાઝા સહીત આખા ક્ષેત્રમાં યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, ત્યાં સુધી હોર્મુઝ બંધ રહેશે.
તેના પછી ટ્રમ્પે ફરી એકવાર ન્યૂયોર્કના એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે ઈરાનને સંપૂર્ણપણે હરાવ્યા બાદ તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અમેરિકાનો વિસ્તાર ઘોષિત કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે એ પણ દાવો કર્યો હતો કે અમેરિકાની નૌસેના આ આખા સમુદ્રી માર્ગની નાકાબંધી કરી રહ્યું છે. તેના જવાબમાં ઈરાને ફરીથી પલટવાર કર્યો હતો.
તેના જવાબમાં ઈરાની નેતા ઈબ્રાહીમ અઝીઝીએ કટાક્ષ કર્યો હતો કે ટ્રમ્પે હોર્મુઝ પર દાવો કરવાના સ્થાને પોતાની સુરક્ષાની ચિંતા કરવી જોઈએ, ક્યાંક ફરીથી ફૂડ ટ્રકમાં છૂપાવવાની નોબત આવે નહીં.
આ તમામ નિવેદનબાજી બાદ મંગળવારે ફરી એકવાર ટ્રમ્પે આવો જ દાવો કર્યો છે. આ વખતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝને પોતાનો વિસ્તાર ઘોષિત કરતી તસ્વીર પણ પોસ્ટ કરી દીધી છે. ટ્રુથ સોશયલ પર ટ્રમ્પે લખ્યું છે કે હોર્મુઝ યુએસનો નવો વિસ્તાર છે.