પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં ચેક પોઈન્ટ પર પ્રચંડ વિસ્ફોટ, 9 પોલીસકર્મીઓના મોત
ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, ડિસ્ટ્રિક્ટ પોલીસ ઓફિસર તારિક હબીબે બુધવારે મોડી રાત્રે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં આઠ આતંકીઓને ઠાર કર્યા છે અને અન્ય 6 આતંકીઓ ઘાયલ થયા છે
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હાલ પરિસ્થિતિ બેહદ ખરાબ છે. આ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનના ઉત્તરીય પ્રાંત ખૈબર પખ્તૂનખ્વાના હંગૂ જિલ્લામાં આતંકીઓના એક જૂથે પોલીસ ચેકપોઈન્ટ પર હુમલો કરીને 9 પોલીસકર્મીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ હુમલામાં અન્ય 22 પોલીસકર્મીઓના ઘાયલ થવાના અહેવાલ છે.
ન્યૂઝ એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, ડિસ્ટ્રિક્ટ પોલીસ ઓફિસર તારિક હબીબે બુધવારે મોડી રાત્રે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં આઠ આતંકીઓને ઠાર કર્યા છે અને અન્ય 6 આતંકીઓ ઘાયલ થયા છે.
પોલીસે કહ્યું છે કે બચેલા આતંકીઓને ખતમ કરવા માટે વિસ્તારમાં ક્લિયરન્સ ઓપરેશન ચાલુ છે. કોઈપણ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી.

આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે પાકિસ્તાનમાં સુરક્ષાદળોને આતંકીઓ સતત નિશાન બનાવી રહ્યા છે. જેમાં ઘણાં જવાનો ઠાર થયા છે.
આના પહેલા 23 જુલાઈએ ખૈબર પખ્તૂનખ્વામાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલામાં સુરક્ષાકર્મીઓ, પોલીસ અને વનવિભાગના એક અધિકારી સહીત ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા.
સૂત્રોએ નામોલ્લેખ નહીં કરવાની શરતે ન્યૂઝ એજન્સી સિન્હુઆને જણાવ્યું કે આ હુમલો ટેન્ક જિલ્લામાં એક સુરક્ષા ચોકી પર થયો. એક ગાડીમાં સવાર આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો. આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના માર્યા જવાના અને ઘણું મોટું નુકશાન થવાની જાણકારી સામે આવી છે.
સૂત્રો મુજબ, મૃતકોમાં નવ સૈનિકો, ચાર પોલીસકર્મીઓ અને 1 પ્રાંતીય વન વિભાગના અધિકારીનો સમાવેશ થાય છે.
વિસ્ફોટમાં 20 સૈનિક, 4 પોલીસકર્મીઓ સહીત ઓછામાં ઓછા 24 લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
સૂત્રો મુજબ, વિસ્ફોટ બાદ પોસ્ટ જમીન પર ધ્વસ્ત થઈ અને બચાવદળે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન શરૂ કરીને લોકોને કાઢવાનું કામ ચાલુ રાખ્યું. ત્રણ સૈનિકો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે.
સૂત્રો મુજબ, બાદમાં ક્લિયરન્સ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ આસપાસના વિસ્તારમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા.
તેના પછી 25 જુલાઈએ મિલિટ્રી વિંગ ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સે કહ્યું છે કે ફોર્સે દેશના ઉત્તર-પશ્ચિમી સાઉદ વજીરિસ્તાન જિલ્લા ખૈબર પખ્તૂનખ્વામાં એક ચેક પોસટ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.
આઈએસપીઆરનું કહેવું છે કે હુમલાખોરોએ વિસ્ફોટકોથી લદાયેલી ગાડીનો ઉપયોગ કરીને ચેક પોસ્ટ પર હુમલો કરવાની કોશિશ કરી, પરંતુ સુરક્ષાકર્મીઓએ પોસ્ટની બહાર જ ગાડીને નષ્ટ કરી દીધી. તેના કારણે કોઈ નુકશાન થયું નથી.