દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન, ગુજરાતી સુગમ સંગીતનો એક યુગ પુરો થયો
મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાની પ્રયોગશીલ સંગીત શૈલીથી ગુજરાતી સંગીતને સમૃદ્ધ બનાવ્યું હતું
ગુજરાતી ફિલ્મ સંગીત, લોક સંગીત અને સુગમ સંગીતના દિગ્ગજ સંગીતકાર અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું. 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાની પ્રયોગશીલ સંગીત શૈલીથી ગુજરાતી સંગીતને સમૃદ્ધ બનાવ્યું હતું. ગૌરાંગ વ્યાસના અવસાનથી કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે અને સંગીતના એક વિરાટ સુવર્ણ યુગનો અંત પણ થયો છે.
ગૌરાંગ વ્યાસની અંતિમ યાત્રામાં સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓ સામેલ થયા હતા. પિતાની છત્રછાયામાંથી બહાર આવીને પોતાની સ્વતંત્ર સંગીત પરંપરાનું નિર્માણ કરનારા ગૌરાંગ વ્યાસ પોતાની અમર રચનાઓ થખી ગુજરાતની સામુહિક સ્મૃતિમાં સદા જીવંત રહેશે.
અવિનાશ વ્યાસ અને વસુમતીબહેનના સંતાન એવા ગૌરાંગ વ્યાસ બાળપણથી સંગીતનો જીવ હતા. પાંચ વર્ષની વયે હાર્મોનિયમ પર તેઓ વૈષ્ણવજન તો તેને રે કહીએ... ગીત વગાડતા. તેમણે મુંબઈની પોદાર હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. પછી અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમાં લીધો. વ્યવસાયિક કારકિર્દી મુંબઈની ખંડેલવાલ એન્જિનિયરિંગ કંપનીથી શરૂ કરી. પણ સંગીતનો જીવ હતા, તેથી ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતીમાં પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે તેઓ જોડાયા અને શ્રેષ્ઠ સંગીતકારનો સહિયારો એવોર્ડ પણ તેમણે મેળવ્યો હતો.
ઉપર ગગન વિશાળમાં પણ તેમનું સહિયારું સંગીત વખાણાયું. પિતાની સાથે જેસલ તોરલમાં પણ સહાયક તરીકે સંગીત આપ્યું. 1976માં લાખો ફૂલાણીમાં તેમણે પહેલીવાર સ્વતંત્ર સંગીતકાર તરીકે સંગીત આપ્યું. આ ફિલ્મમાં એક રમૂજી ગીત માટે તેમણે હિન્દી ફિલ્મજગતના લોકપ્રિય પાર્શ્ર્વગાયક કિશોરકુમારના કંઠનો ઉપયોગ કર્યો હતો. પાર્શ્ર્વગાયક પ્રફુલ્લ દવેને આ ફિલ્મમાં પ્રથમ વાર તેમણે તક આપી ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો….’ ગીત ગવડાવ્યું.
હિન્દી ફિલ્મ જગતના મશહૂર પાર્શ્ર્વગાયકો આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર, ભૂપેન્દરસિંઘ વગેરેના કંઠનો ગુજરાતી ચલચિત્રોમાં ઉપયોગ કર્યો. ‘પારકી થાપણ’નું કન્યાવિદાય-ગીત ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ પાર્શ્ર્વગાયિકા લતા મંગેશકર પાસેથી ગવડાવ્યું, જેની તરજ એટલી તો સરસ હતી કે લતાજીએ ગાયેલું એ ગીત લોકજીભે ચઢ્યું. તેમણે 2004 સુધીમાં લગભગ 100 ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. કેતન મહેતા દ્વારા નિર્મિત ‘ભવની ભવાઈ’(1981)માં તેમનું સંગીત યાદગાર બની રહ્યું.
ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત માટેના લગભગ 11 પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ ગીત-કવિઓ-ગઝલકારોની રચનાઓનાં 500થી વધુ સ્વરાંકનો તેમણે કર્યાં છે.