ગુજરાત યુનિવર્સિટી પૂર્વ VC નીરજા ગુપ્તાએએ નિયમ વિરુદ્ધ નિમેલા કર્મચારીઓ સસ્પેન્ડ, ABVPએ કર્યો હતો હંગામો
ABVPની કડક કાર્યવાહીની માગણી અને હોબાળા બાદ ગુજરાત યુનિવર્સિટીનું પ્રશાસન હરકતમાં આવ્યું હતું.
ગુજરાત યુનિવર્સટીમાં નિયમોને બાજુએ હડસેલીને પોતાના માનીતાઓને નાણાં અને હોદ્દાઓની છૂટાં હાથે લ્હાણી કરવાના આરોપ સાથે આજે સવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા. એબીવીપી દ્વારા પૂર્વ વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તા પર યુનિવર્સિટીમાં આશરે 11 કરોડ રૂપિયાથી વધુનું આર્થિક નુકશાન પહોંચાડવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો.
ABVPની કડક કાર્યવાહીની માગણી અને હોબાળા બાદ ગુજરાત યુનિવર્સિટીનું પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા કોઈપણ સત્તાવાર ભરતી પ્રક્રિયા વગર, માત્ર ભલામણ અને અંગત સંબંધોના આધારે ગોઠવવામાં આવેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ કેસમાં તપાસ કમિટીના રિપોર્ટ બાદ આ તમામ બિનઅધિકૃત અધિકારીઓને કાયમી ધોરણે ટર્મિનેટ કરવાની કાર્યવાહી હાથ ધરશે.
એબીવીપીના આરોપ મુજબ, પૂર્વ કુલપતિએ હોદ્દો સંભાળ્યા બાદ વર્ષોથી ફરજ બજાવતા ઘણાં હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી. પોતાના માનીતા કર્મચારીઓને નિયમોની વિરુદ્ધ જને નોકરીએ રાખી લીધા હતા.
ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા જે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમની યાદી નીચે મુજબ છે-
શ્રીનિવાસ રાઓ (GUSEC CEO) – ₹5.00 લાખ
પાવન પંડિત (એનિમેશન કો-ઓર્ડીનેટર) – ₹2.50 લાખ
બિશ્વજીત અધિકારી (GUSEC) – ₹2.50 લાખ
ચંદ્રશેખર ઝા (એસ્ટેટ ઓફિસર) – ₹1.50 લાખ
માનસિંગ રજોરા (GUSEC) – ₹1.25 લાખ
દિનેશ શર્મા (ચીફ એકાઉન્ટ ઓફિસર) – ₹1.25 લાખ
પરેશ સોની (ફાયર ઓફિસર) – ₹60 હજાર
તુષાર ત્રિવેદી (લીગલ ઓફિસર) – ₹40 હજાર
POP (પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ): કોન્ટ્રાક્ટ આધારિત ફેકલ્ટીઓ (દરેક ફેકલ્ટીનો માસિક પગાર ₹2.25 લાખ)

તમામ વિવાદીત નિમણૂકોની તપાસ માટે કમિટી બનાવીને તેના આધારે ટૂંક સમયમાં જ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.