વૃદ્ધાશ્રમમાં પિતાના અંતિમ સંસ્કારમાં જવાનો 3 પુત્રીઓ પાસે સમય ન હતો, ઓનલાઈન દાહ સંસ્કાર જોયો!
ત્રણેય પુત્રીઓને ભણાવીને સફળ બનાવનારા શિવચરણ ગુપ્તાના પાર્થિવ દેહના તેમની પુત્રીઓએ અંતિમ દર્શન પણ ટાળ્યા. ત્રણેય પુત્રીઓએ વીડિયો કૉલ દ્વારા અંતિમ સંસ્કાર જોયા
હરિયાણાના સોનીપતમાં સંબંધોમાં અસંવેદનશીલતાનો એક કિસ્સો સામે આવ્યો છે. એક પિતા પોતાની પુત્રીઓને મળવાની ચાહત સાથે દુનિયામાંથી વિદાય થયા. પરંતુ પુત્રીઓની પાસે પિતાના અંતિમ દર્શન કરવાનો પણ સમય ન હતો. વૃદ્ધાશ્રમમાં રહેતા એક કાપડના વેપારીના મોત બાદ તેમના અંતિમ સંસ્કારમાં કોઈપણ કુટુંબી પહોંચ્યો નહીં.
મહારાષ્ટ્રના વતની શિવચરણ રતન ગુપ્તા એક સમયે કાપડના મોટા વેપારી હતા. લગભગ દોઢ વર્ષ પહેલા તેમના પત્ની મીના ગુપ્તનું સોનીપત ખાતેના વદ્ધાશ્રમમાં નિધન થયું હતું. તેમને કોઈ પુત્ર ન હતો. તેમણે પોતાની ત્રણેય પુત્રીોને ભણાવી-ગણાવીને કાબેલ બનાવી, જેમાંથી બે દિકરીઓ અધ્યાપિકા છે. તેમના પત્ની મીના ગુપ્તાનું પહેલા જ નિધન થઈ ચુક્યું હતું.
વૃદ્ધાશ્રમના સંચાલક આનંદના જણાવ્યા મુજબ, લગભગ 20 દિવસ પહેલા શિવચરણ રતન ગુપ્તાની તબિયત ખરાબ થવા પર તેમની ત્રણેય પુત્રીઓ અનીતા, નિશા અને પ્રિયાને આની જાણકારી અપાઈ હતી. પરંતુ ત્રણેય પુત્રીઓ જુદાંજુદાં બહાના બનાવીને પિતાને મળવા માટે પહોંચી નહીં.
સંચાલક આનંદના જણાવ્યા મુજબ, શિવચરણ ગુપ્તા પોતાની પુત્રીઓ સાથે વાત કરવા માટે એક ફોન પોતાની પાસે રાખતા હતા. બીમારી બાદ તેમની પુત્રીઓના ફોન પણ આવવાના બંધ થઈ ગયા હતા. જ્યારે વૃદ્ધાશ્રમ તરફથી તેમને પિતાની ગંભીર સ્થિતિની જાણકારી આપવામાં આવી, ત્યારે પણ તેઓ આવી નહીં.
આનંદે કહ્યુ છે કે મોડી રાત્રે શિવચરણ રતન ગુપ્તાનું નિધન થયું. તેના પછી પુત્રીઓને આની જાણકારી અપાઈ અને કહેવામાં આવ્યું કે જો તેઓ આવી રહી છે તો અંતિમ સંસ્કાર માટે પાર્થિવ શરીરને સુરક્ષિત રાખી શકાય છે. પરંતુ પુત્રીઓએ સમય નહીં હોવાનું બહાનું કાઢયું.
શિવચરણ ગુપ્તાની મોટી પુત્રી અનીતા નેપાળમાં રહે છે અને અધ્યાપિકા છે. તેમની વચલી પુત્રી નિશા ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રહે છે, જ્યારે તેમની સૌથી નાની પુત્રી પ્રિયા મુંબઈમાં રહે છે. ત્રણેય પુત્રીઓને ભણાવીને સફળ બનાવનારા શિવચરણ ગુપ્તાના પાર્થિવ દેહના તેમની પુત્રીઓએ અંતિમ દર્શન પણ ટાળ્યા. ત્રણેય પુત્રીઓએ વીડિયો કૉલ દ્વારા અંતિમ સંસ્કાર જોયા.
અધ્યાપિકા પુત્રી અનીતાએ ઓનલાઈન 5100 રૂપિયા ભરીને કહ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર વિધિ-વિધાન મુજબ કરી દેવામાં આવે. પહેલા પુત્રીઓએ કહ્યું હતું કે અસ્થિઓ સુરક્ષિત રાખવામાં આવે, પરંતુ બાદમાં એમ કહેતા ઈન્કાર કર્યો કે તેમની પાસે સમય નથી. તેમણે વૃદ્ધાશ્રમના સંચાલકો પાસે ગંગામાં અસ્થિઓ પ્રવાહીત કરવાનું જણાવ્યું. અંતિમ સંસ્કાર બાદ પુત્રીઓએ વીડિયો કૉલ પર એમ પણ કહ્યુ કે અંતિમ સંસ્કારના તમામ વીડિયો તેમને મોકલી દેવામાં આવે.