જિનપિંગ પોતાના ઘરથી કરે શાંતિનો પ્રારંભ, તિબેટનો કટાક્ષ- ચીનને વધુ કેટલી જમીન જોઈએ?
સેન્ટ્રલ તિબેટિયન એડમિનિસ્ટ્રેશન (સીટીએ)ના સિક્યોંગ પેન્પા ત્સેરિંગે ભારત અને ચીનની વચ્ચે સારા સંબંધોનું સ્વાગત કરતા તિબેટના વણઉકલ્યા મુદ્દા પર વધારે ધ્યાન આપવાની અપીલ કરી છે.
બ્રિક્સ સમિટમાં સામેલ થવા માટે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ભારત પહોંચી ગયા છે. તેમની આ યાત્રા પહેલા ભારત અને ચીનના પાડોશી દેશ તિબેટે જિનપિંગને સલાહ આપી છે. આમ તો તિબેટ ચીનના કબજા હેઠળ એક સ્વાયત્ત પ્રદેશ છે અને ચીન તેને પોતાનો ભાગ ગણાવે છે. પણ ચીનના ત્રાસમાંથી બચવા માટે વિસ્થાપિત થયેલા તિબેટિયનોએ ભારતમાં નિર્વાસિત સરકારની સ્થાપના કરી હતી. ત્યારે તિબેટિયનોએ જિનપિંગને વાતચીત દ્વારા તિબેટનો મામલો ઉકેલવા માટે આગ્રહ કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો ચીન વિશ્વને શ્રેષ્ઠ સ્થાન બનાવવાને લઈને ગંભીર છે, તો શાંતિની શરૂઆત સૌથી પહેલા પોતાના ઘરેથી કરવી જોઈએ.
જિનપિંગની ભારત યાત્રા પર દુનિયાની નજરો ટેકેલી છે. સેન્ટ્રલ તિબેટિયન એડમિનિસ્ટ્રેશન (સીટીએ)ના સિક્યોંગ પેન્પા ત્સેરિંગે ભારત અને ચીનની વચ્ચે સારા સંબંધોનું સ્વાગત કરતા તિબેટના વણઉકલ્યા મુદ્દા પર વધારે ધ્યાન આપવાની અપીલ કરી છે. તિબેટિયન નેતાએ કહ્યુ છે કે બ્રિક્સ સંમેલનમાં ચીનની વધતી ભાગીદારી પર નજર રાખવી જોઈએ. તેમણે કહ્યુ છે કે તિબેટે હંમેશા ભારત અને ચીન સહીત દુનિયાના ઘણાં દેશો વચ્ચે સારા સંબંધોનું સમર્થન કર્યું છે.
ત્સેરિંગે કહ્યુ છે કે ચીનની સરકાર સાથે વાત કરવામાં સૌથી મોટી મુશ્કેલી ભરોસાને લઈને છે. તેમના પર વિશ્વાસ કરવો એક મોટો પડકાર છે. તેમને પુછવામાં આવ્યું કે શું તે તિબેટિયનોની સાથે વાતચીત ફરીથી શરૂ કરવા સંદર્ભે રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને કોઈ સંદેશ આપવા ચાહે છે, તો તેમણે મધ્યમ માર્ગ નીતિ અપનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે વાતચીત દ્વારા જ ઉકેલ નીકળે છે.
તેમણે ચીનને સલાહ આપતા એટલું જરૂર કહ્યું છે કે દુનિયામાં શાંતિની વાત કરતા પેલા ચીને પોતાની અંદર ઝાંકવું જોઈએ. ત્સેરિંગે કહ્યુ કે જો ચીન ખરેખર આ દુનિયાને રહેવા લાયક સારી જગ્યા બનાવવાને લઈને ગંભીર છે, તો સૌથી પહેલા તેણે ચીનને જ રહેવા લાયક જગ્યા બનાવવી જોઈએ. વ્યાપક દુનિયામાં શાંતિની શરૂઆત પોતાનના જ દેશ અને સમાજથી થવી જોઈએ.
તેમણે સવાલ કર્યો છે કે તમારે કેટલી વધુ જમીન જોઈએ? જો શાંતિ જોઈએ તો તમારે પોતાના ઘરથી શરૂઆત કરવી જોીએ. જ્યારે તમારા પોતાના ઘરમાં જ શાંતિ નથી, તો તમારી બહારી દુનિયામાં શાંતિની વાત કેવી રીતે કરી શકાય છે? તેમણે કહ્યુ કે જ્યારે તમે વાતચીત, સંવાદ, કૂટનીતિક સંબંધો અને યુદ્ધ નહીં કરવાની વાત કરો છો, તો તિબેટિયનો સાથે પણ આવું જ કરો. આ મુદ્દાને ઉકેલવા માટે તિબેટિયનો સાથે વાતચીત કરો.
તેમણે કહ્યુ છે કે બ્રિક્સ શિખર સંમેલનની અસરનું અત્યારથી કોઈ પરિણામ કાઢવું ઉતાવળ હશે. તેની સાથે જ તેમણે કહ્યુ કે આ સંમેલન દરમિયાન ભારત અને ચીનની વચ્ચે થનારી દ્વિપક્ષીય બેઠક પર પણ સૌની નજર રહેશે.