ખાલિસ્તાની જૂથના નામે રાજકોટ કોર્ટને ડ્રોન હુમલાની ધમકી, ધમકીવાળા ઈમેલથી ખળભળાટ
ધમકી ભરેલા ઈમેલમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ જૂથના નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટના સત્તાવાર મેઈલ પર સીધી આવી ધમકી મલથા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી તપાસ અને તકેદારી શરૂ કરવામાં આવી છે
અમદાવાદ-સૂરતની કોર્ટો અને સ્કૂલોને અવાર-નવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલા ઈમેલ મળ્યા છે. હવે રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અને ડ્રોન હુમલાની ધમકીનો ઈમેલ મળ્યો છે.
રાજકોટ કોર્ટના સત્તાવાર મેઈલ એડ્રેસ પર ધમકી ભરેલો મેઈલ આવતા સુરક્ષા તંત્ર સાવધ બની ગયું છે. આ ધમકી ખાલિસ્તાની ગ્રુપના નામે અપાય છે. આ ધમકીમાં માત્ર બોમ્બથી કોર્ટને ઉડાવી દેવાની વાત નથી, પરંતુ ડ્રોન હુમલાની પણ ધમકી આપવામાં આવી છે. આ પ્રકારના ઈમેલ મળતા જ કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
ધમકી ભરેલા ઈમેલમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ જૂથના નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટના સત્તાવાર મેઈલ પર સીધી આવી ધમકી મલથા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી તપાસ અને તકેદારી શરૂ કરવામાં આવી છે. કોર્ટ જેવી મહત્ત્વની સરકારી અને ન્યાયિક સંસ્થાને આવી ધમકી મળવી સામાન્ય બાબત નથી. તેથી સમગ્ર મામલે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવાય તેવી સંભાવના છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં લોકો, વકીલો, અરજદારો અને કોર્ટના કર્મચારીઓની આવન-જાવન રહેલી છે. આવી સ્થિતિમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અથવા ડ્રોન હુમલાની ચેતવણી સ્વાભાવિક રીતે દહેશત ફેલાવી શકે છે. જો કે સુરક્ષા એજન્સીઓ ધમકી ભરેલા ઈમેલની સત્યતા અને તેની પાછળ કોણ છે, તેની તપાસ પણ કરી રહી છે.