દરિયો તોફાની બનશે! ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
આગામી 24 કલાક દરમિયાન દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ અને પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. સાથે જ દરિયામાં હાઈ ટાઈડ એટલે કે ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવના છે.
અમરેલીના જાફરાબાદ બંદર પર દરિયાઈ સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દરિયા કાંઠા પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને આગામી સૂચના સુધી દરિયો નહીં ખેડવાની તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. આગામી 24 કલાક દરમિયાન દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ અને પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. સાથે જ દરિયામાં હાઈ ટાઈડ એટલે કે ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવના છે.
ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વસસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વસસાદ જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં કચ્છમાં પણ ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. લૉ પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહીતની હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધુ ઝડપી બને તેવી સંભાવના છે.
ગુજરાતમાં આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં 2.95 ઈંચ, સુરતના અંબિકામાં 2.60 ઈંચ, ગરુડેશ્વરમાં 2.24 ઈંચ, દેડિયાપાડામાં 2.05 ઈંચ અને નવસારીમાં 2.05 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે.
13 સપ્ટેમ્બરના સવારે 6:30 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ તાપીના ઉકાઈમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત આજે સવારે 4થી 6 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નર્મદાના દેડિયાપાડામાં સૌથી વધુ 3.15 ઈંચ વરસાદ નોંધાયો છે.