જન્માષ્ટમીએ દ્વારકામાં કૃષ્ણભક્તોનું ઘોડાપુર, જગતમંદિર જય દ્વારિકાધીશના નાદથી ગુંજી ઉઠયું
દ્વારકા, ડાકોર અને શામળાજીમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ઉમટયા હતા. નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી અને જય રણછોડ માખણછોરના જય ઘોષ સાથે કૃષ્ણ મંદિરોના પરિસરો ગુંજી ઉઠયા હતા.
ભગવાન શ્રીકૃષ્ણના 5253મા પ્રગટોત્સવ જન્માષ્ટમીએ ગુજરાતમાં કૃષ્ણભક્તો ભક્તિરસમાં ડૂબ્યા છે. રાજ્યના ત્રણ મુખ્ય કૃષ્ણધામો - દ્વારકા, ડાકોર અને શામળાજીમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ઉમટયા હતા. નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી અને જય રણછોડ માખણછોરના જય ઘોષ સાથે કૃષ્ણ મંદિરોના પરિસરો ગુંજી ઉઠયા હતા.
દ્વારકાધીશની નગરી દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વિશ્વપ્રસિદ્ધ જગતમંદિરને રંગબેરંગી અને કલાત્મક રોશનીથી અલૌકિક રીતે શણગારવામાં આવ્યું છે. દૂર-દૂરથી આવતા યાત્રાળુઓ મંદિરના શિખર અને દીપોત્સવી નજારા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
જગતમંદિરમાં વહેલી સવારે મંગળા આરતી સાથે જ દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. જન્મોત્સવના આ મહાપર્વ નિમિત્તે ગોમતી ઘાટ અને સમગ્ર દ્વારકા નગરીમાં આસ્થા ભક્તિનો મહાસાગર ઊમટ્યો હતો.
ડાકોરમાં 'જય રણછોડ'નો નાદ અને ભક્તોનું ઘોડાપૂર
ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. 'જય રણછોડ, માખણ ચોર'ના ગગનભેદી નારાઓથી ડાકોર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ રણછોડરાયજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. પદયાત્રા કરીને અને દૂર-દૂરના વિસ્તારોમાંથી આવેલા કૃષ્ણભક્તોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પણ પ્રભુના દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર ડાકોર ધામમાં ધાર્મિક ઉલ્લાસ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
શામળાજીમાં શામળિયાનો પંચામૃત અભિષેક અને ભવ્ય શૃંગાર
અરવલ્લી સ્થિત સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવની અત્યંત ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે ભગવાન શામળિયાને દૂધ, દહીં, ધી, મધ અને સાકર સહિતના પંચામૃતથી દિવ્ય સ્નાન અને અભિષેક કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રભુને પીતાંબર અને મનોહર આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. પંચામૃત અભિષેકના આ દિવ્ય દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.