કચ્છમાં સામખિયાળી-ભચાઉ વચ્ચે રેલવે લાઈનનું પરીક્ષણ સફળ, 130 KMની ઝડપે ટ્રેન દોડી
અમદાવાદ મંડળના આ મહત્ત્વપૂર્ણ રેલવે ખંડ પર ચાર લાઈન પ્રકલ્પ પૂર્ણ થવાથી કંડલા અને મુંદ્રા પોર્ટથી થતાં માલના પરિવહનને અભૂતપૂર્વ વેગ મળશે
કચ્છમાં સામખિયાળી-ભચાઉ વચ્ચે નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઈન પર 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈલેટ્રિક એન્જિન અને ઓબ્ઝર્વેશન કાર દોડાવીને સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવી છે.
ચીફ રેલવે સેફ્ટી પરીક્ષણ દરમિયાન રેલવે સંરક્ષણ કમિશનર ઈ. શ્રીનિવાસ અને અમદાવાદ મંડળના ડીઆરએમ વેદપ્રકાશ સહીતના ઉચ્ચાધિકારીઓએ સામખિયાળી યાર્ડ, સિગ્નાલિંગ સિસ્ટમ અને વોંધ રેલવે સ્ટેશન ખાતે સંચાલન વ્યવસ્થાનું ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ અધિકારીઓનું સ્વાગત કરીને રેલવે સંબંધિત પ્રસ્નોની ચર્ચા કરી હતી.
અમદાવાદ મંડળના આ મહત્ત્વપૂર્ણ રેલવે ખંડ પર ચાર લાઈન પ્રકલ્પ પૂર્ણ થવાથી કંડલા અને મુંદ્રા પોર્ટથી થતાં માલના પરિવહનને અભૂતપૂર્વ વેગ મળશે. તેનાથી ગુડ્ઝ ટ્રેનોના ટર્ન એરાઉન્ડ સમય ઘટવાથી લોજિસ્ટિક ખર્ચ ઓછો થશે. તેની સાથે પ્રવાસી ટ્રેનોનું સંચાલન પણ વધુ સુચારું અને સમયબદ્ધ બનશે. આ માર્ગે આખરી મંજૂરી મળ્યા બાદ પ્રવાસી ટ્રેનો દોડાવવામાં આવશે.