જૂનાગઢમાં લોખંડના ગેટમાં ફસાયેલા સિંહબાળનું રેસ્ક્યૂ, સક્કરબાગ ઝૂમાં સારવાર હેઠળ
રેસ્ક્યૂ બાદ ઈજાગ્રસ્ત સિંહબાળને વધુ સારવાર અને સતત પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવામાં આવ્યું છે.
જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં આજે વહેલી સવારે એક સિંહબાળ લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે તેનો પાછળનો પગ ગેટમાં ફસાઈ જતાં તે ઈજાગ્રસ્ત થયું હતું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તમામ જરૂરી સુરક્ષા પગલાં સાથે સફળ બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમે સિંહબાળને કોઈ વધુ ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખીને તેને સલામત રીતે ગેટમાંથી બહાર કાઢ્યું હતું.
રેસ્ક્યૂ બાદ ઈજાગ્રસ્ત સિંહબાળને વધુ સારવાર અને સતત પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવામાં આવ્યું છે. હાલ સિંહબાળની તબિયત સ્થિર હોવાનું વન વિભાગે જણાવ્યું છે અને તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે.
વન વિભાગે જણાવ્યું કે સમયસર મળેલી જાણકારી અને ઝડપી કામગીરીના કારણે સિંહબાળને સુરક્ષિત રીતે બચાવી શકાયું હતું.