ખેડા જિલ્લામાં ધોધરમાર વરસાદ, બે કલાકમાં વસોમાં 4.88 ઈંચ- નડિયાદમાં 4.76 ઈંચ વરસાદ
ભારે વરસાદના પરિણામે જનજીવન પર અસર થઈ છે. વહીવટી તંત્રે નાગરિકોને જળભરાવવાળા સ્થાનોથી દૂર રહેવાની અપીલ કરી છે અને સાવચેતી રાખવા માટે તાકીદ કરી છે.
મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજ કહેર વરસાવી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના સમયગાળામાં ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે વસો અને નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ છે.
સવારે 8થી 10 વાગ્યાના માત્ર બે કલાકમાં વસો ખાતે આશરે 4.88 ઈંચ અને જિલ્લાના મુખ્યમથક નડિયાદમાં 4.76 ઈંચ વરસાદ નોંધાયો છે. નડિયાદમાં સવારે 6થી 8 વાગ્યા દરમિયાન 26 મિલીમીટર અને તેના પછીના 8થી 10 વાગ્યાના બે કલાકમાં 95 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો.
ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં 3.90 ઈંચ, કઠલાલ તાલુકામાં 2.91 ઈંચ, ફાગવેલ તાલુકામાં 1.22 ઈંચ, માતર તાલુકામાં 1.10 ઈંચ, ખેડા અને ઠાસરા તાલુકામાં 0.91 ઈંચ, કપડવંજ તાલુકામાં 0.83 ઈંચ, મહેમદાવાદ તાલુકામાં 0.55 ઈંચ અને ગલતેશ્વરમાં 0.43 ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદના પરિણામે જનજીવન પર અસર થઈ છે. કલેક્ટર એન. વી. ઉપાધ્યાયે નાગરિકોને જળભરાવવાળા સ્થાનોથી દૂર રહેવાની અપીલ કરી છે અને સાવચેતી રાખવા માટે તાકીદ કરી છે.