ભાજપ અધ્યક્ષ નીતિન નબીને ખાલી કરેલી બાંકીપુર બેઠક પરથી PKની જીત, 30 વર્ષનો કિલ્લો 30 દિવસમાં ધ્વસ્ત!
બાંકીપુર વિધાનસભા બેઠક 1990ની સતત ભાજપનો સૌથી મજબૂત ગઢ રહ્યો છે અને આ બેઠક પર ભાજપના અધ્યક્ષ નીતિન નબીન અને તેમના પરિવારનો દબદબો રહ્યો હતો
નવી દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના સફળ વિરોધ પ્રદર્શન અને તત્કાલિન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ યોજાયેલી બિહારની બાંકીપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની હાર થઈ છે. બાંકીપુર બેઠક પરથી જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત કિશોરને 63,946 અને ભાજપના નીરજ કુમારને 44,700 વોટ મળ્યા છે. પ્રશાંત કિશોર આ બેઠક પર 19,246 વોટની સરસાઈથી જીતી ગયા છે.
બાંકીપુર વિધાનસભા બેઠક 1990ની સતત ભાજપનો સૌથી મજબૂત ગઢ રહ્યો છે અને આ બેઠક પર ભાજપના અધ્યક્ષ નીતિન નબીન અને તેમના પરિવારનો દબદબો રહ્યો હતો. આ બેઠક પર ભાજપની હાર અને જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરની જીત બિહારના રાજકારણમાં ઉથલ-પાથલના સંકેત આપનારી છે. તેની સાથે રાષ્ટ્રીય રાજકારણમાં જેન-ઝીના દેખાવોની અસર પણ આ પરિણામો પર હોવાની સંભાવનાઓની ચર્ચા થઈ રહી છે.
ભાજપના અભેદ્ય કિલ્લા તરીકે ગણાતી બાંકીપુર વિધાનસભા ચૂંટણીમાં જનસુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરની જીત બિહારની રાજનીતિ માટે પણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.
બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીામં ભાજપના શહેરી અને સવર્ણ વોટમાં વિભાજન થયાનું જાણકારો માની રહ્યા છે. શહેરી વિસ્તારના કાયસ્ત, વેપારી અને સવર્ણ મતદાતા ભાજપના સમર્થક રહ્યા છે અને પ્રશાંત કિશોરની જીત દર્શાવી રહી છે કે તેમણે જનસુરાજની દિશા નિર્ણાયક રીતે પકડી છે. તેનો સીધો અર્થ છે કે આગામી સમયમાં કાસ્ટ સેન્સસ બાદના રાજકારણમાં બિહારમાં ભાજપ માટે પોતાની રાજકીય જમીનનું ધોવાણ બચાવવું એક પડકાર બનવાનો છે.
નવેમ્બર-2025ના રોજ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જન સુરાજ પાર્ટીને એકપણ બેઠક મળી ન હતી અને મોટાભાગના ઉમેદવારોની જમાનત જપ્ત થઈ હતી. પણ બાંકીપુરના પરિણામોએ સાબિત કરી દીધું છે કે 30 વર્ષનો રાજકીય ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થઈ શકે છે.
બિહારની જનતામાં પ્રશાંત કિશોર રાષ્ટ્રીય જનતા દળ અને એનડીએ-ભાજપના એક મજબૂત ત્રીજા વિકલ્પ તરીકે પોતાનો રાજકીય પ્રવાસ આગળ ખેડી શકે છે.
પીકેએ શરૂઆતમાં શિક્ષણ, રોજગાર, અને વ્યવસ્થા પરિવર્તન જેવા મુદ્દાઓની વાત કરી હતી. પણ બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે માહોલ અલગ હતો અને ત્યારે આ મુદ્દાઓની એટલી અસર થઈ નહીં. પણ સીજેપીના દિલ્હી ખાતેના સફળ આંદોલન બાદ બિહારમાં જેન-ઝીને પણ પીકે અપીલ કરી રહ્યા છે અને તેઓ વિકલ્પ બની શકે છે, તેના સંકેત બાંકીપુર વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો આપી રહ્યા છે.
પહેલા યુટ્યૂબિયા નેતા ગણાતા પ્રશાંત કિશોરે સાબિત કરી દીધું છે કે તેઓ એક જનાધારવાળા નેતા તરીકે સ્થાપિત થઈ ચુક્યા છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નીતિશ કુમારના સ્થાને મુખ્યમંત્રી બનેલા સમ્રાટ ચૌધરીના નેતૃત્વનો પણ લિટમસ ટેસ્ટ હતો. બાંકીપુર જીતવા માટે ભાજપે ખૂબ પ્રચંડ પ્રચાર અભિયાન કર્યું હતું. પણ તેમ છતાં ભાજપના ઉમેદવાર નીરજકુમાર સિંહાની ટિકિટ વિતરણમાં કોઈ અસંતોષ અને એન્ટી-ઈન્કમબન્સીની સ્થિતિના પણ સંકેત કરે છે.
મહત્ત્વપૂર્ણ છે કે મતદાનના થોડા દિવસો પહેલા જ ભાજપના મૂળ ઘોષિત ઉમેદવાર અભિષેક કુમાર સિંહાએ અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. છેલ્લા સમયે થયેલા આ ફેરફારની પણ ભાજપની હારમાં એક ભૂમિકા છે.
બાંકીપુરમાં આરજેડીના ઉમેદવાર રેખા ગુપ્તા ત્રીજા ક્રમાંકે રહ્યા છે, તે દર્શાવે છે કે હવે જાગરુક મતદાતા પરંપરાગત વિપક્ષના સ્થાને ભાજપને હરાવવા માટે નવા વિકલ્પને પણ મજબૂતાઈથી પસંદ કરી શકે છે. બાંકીપુરમાં પીકેની જીત 243 બેઠકોવાળા બિહારની રાજકીય તાસિરમાં બહુ મોટા ઉલટફેરના સંકેત આપી રહી છે.
બાંકીપુરની પેટાચૂંટણીમાં માત્ર 35 ટકા વોટિંગ થયું હતું. 2025માં વિધાનસભાની ચૂંટણીમાં અહીં 41.35 ટકા વોટિંગ થયું હતું. ત્યારે ભાજપના નીતિન નબીને આરજેડીના રેખા ગુપ્તાને 52 હજાર જેટલા વોટથી હરાવ્યા હતા.
પણ બાંકીપુરના ધારાસભ્ય નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્તિ મળી અને તેઓ રાજ્યસભાના સાંસદ બન્યદા. તેના પછી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને આ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ હતી.