PM મોદી 8 સપ્ટેમ્બરે વડોદરા આવશે, 10,000થી વધુ Gen-Z યુવાઓ સાથે કરશે સીધો સંવાદ
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી વડોદરા શહેર અને જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ પણ આપશે.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે છે. તેઓ આ વખતની મુલાકાતમાં સંસ્કાર નગરી વડોદરામાં યુવા સંવાદ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં ગુજરાતના જેન-ઝી એટલે કે નવી પેઢીના યુવાઓ સાથે તેઓ સીધો સંવાદ કરવાના છે. જેમાં વડોદરાના આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ યુવાઓ હાજર રહે તેવી શક્યતા છે.
આ સંવાદ દ્વારા વડાપ્રધાન મોદી યુવાઓના વિચારો, તેમના સ્વપ્નો અને રાષ્ટ્રના ભવિષ્ય અંગેના તેમના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરશે. વડોદરામાં કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ હેમાંગ જોશીએ પીએમ મોદીના આ આગામી પ્રવાસ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન 8 સપ્ટેમ્બરે વડોદરા આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ વૈશ્વિક મહામારી જેવા પડકારજનક સમયમાં પણ ભારતનો GDP ગ્રોથ સતત સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી વડોદરા શહેર અને જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ પણ આપશે.
વડોદરા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અતૂટ નાતો છે. તેઓ 2014માં વડોદરા લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડયા હતા અને 5 લાખથી વધુ વોટથી જીત્યા પણ હતા. જો કે તેમણે વારાણસી બેઠક પરથી સંસદની સદસ્યતા ચાલુ રાખી અને વડોદરાની બેઠક ખાલી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાતને લઈને લોકોમાં એક અનોખો ઊર્જા સંચાર દેખાય રહ્યો છે. વડોદરાને વડાપ્રધાનના સ્વાગત માટે શણગારાઈ રહ્યું છે.