ધોલેરાના વણીતળાવ ગામમાં ભોગાવોના પાણી ફરી વળ્યા, NDRF-પોલીસ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
ભોગાવો નદીના પાણીથી માત્ર વણીતળાવ જ નહીં, પણ અન્ય ગામોના માર્ગો પણ તેના જળમાં ડૂબ્યા છે. આનંદપુર અને બુરાનપુર તરફનો એપ્રોચ રોડ બંધ કરાયો છે. કોઈપણ વાહનચાલક કે નાગરિક જોખમ ખેડીને પાણીમાંથી પસાર થાય નહીં તેના માટે પોલીસ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે.
ધોલેરા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભોગાવનો નદીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું છે. ધોલેરા તાલુકના વણીતળાવ ગામની આસપાસના વિસ્તારમાં ભોગાવો નદીના પાણી ફરી વળ્યા છે અને તે સંપર્કવિહોણું થયું છે.
વણીતળાવ ગામ ટાપુમાં ફેરવાતા એનડીઆરએફ અને પોલીસે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોને અહીં તેનાત કર્યા છે.
જિલ્લા પોલીસ, જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફની ટીમોએ સંકલન સાથીને વણીતળાવ ગામમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીને ફસાયેલા નાગરિકોને સલામત સ્થાનો પર ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
ભોગાવો નદીના પાણીથી માત્ર વણીતળાવ જ નહીં, પણ અન્ય ગામોના માર્ગો પણ તેના જળમાં ડૂબ્યા છે.
આનંદપુર અને બુરાનપુર તરફનો એપ્રોચ રોડ બંધ કરાયો છે. કોઈપણ વાહનચાલક કે નાગરિક જોખમ ખેડીને પાણીમાંથી પસાર થાય નહીં તેના માટે પોલીસ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ સદંતર બંધ કરે અને નદી કે પાણી ભરાયેલા વિસ્તારો તરફ જવાનું ટાળે. આ સિવાય અફવાથી દૂર રહીને સત્તાવાર માહિતી પર ભરોસો રાખવા અને પોલીસ તેમજ જિલ્લા પ્રશાસનની તમામ સૂચનાનું પાલન કરવા અપીલ કરી છે.