શું ત્રીજા વિશ્વયુદ્ધની આગ ભડકાવી રહ્યા છે પુતિન? પહેલીવાર 700KM દૂર જાપાનના દાવાવાળા ટાપુ પર પહોંચ્યા
પુતિનની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે, કારણ કે દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ અત્યાર સુધી ઔપચારીક શાંતિ સંધિ થઈ નથી અને આ વિવાદને તેનું મોટું કારણ માનવામાં આવે છે
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અચાનક જાપાનના દાવાવાળા ટાપુ પર પહોંચ્યા છે.આ ટાપુને લઈને બંને દેશો વચ્ચે દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. રશિયાના મીડિયા મુજબ, પુતિન કુરિલ ટાપુસમૂહના ઈતુરુપ એટલે એતોરોફુ ટાપુ પહોંચ્યા છે. આ વિસ્તાર નના હોક્કાઈડો ટાપુની ઉત્તરમાં છે અને રશિયાના કબજામાં છે.પરંતુ જાપાન તેને પોતાનું ક્ષેત્ર માની રહ્યું છે.
પુતિનની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની છે, કારણ કે દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ અત્યાર સુધી ઔપચારીક શાંતિ સંધિ થઈ નથી અને આ વિવાદને તેનું મોટું કારણ માનવામાં આવે છે.
પ્રેસિડેન્ટ પુતિને ઈતુરુપમાં યાસ્ની ફિશ પ્રોસેસિંગ પ્લાંટની મુલાકાત લીધી. રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી તાસ મુજબ,આ કુરિલ ટાપુસમૂહની પુતિનની પહેલી વ્યક્તિગત યાત્રા છે. તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે મુલાકાત કરી અને માછલી ઉત્પાદન સાથે જોડાયેલી ગતિવિધિઓને જોઈ. એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્થાનિક હવામાનના વખાણ કરતા તેને રિસોર્ટ જેવું ગણાવ્યું છે. આ દરમિયાન તેમણે સ્થાનિક માછલીઓ કેવિયારનું પણ નિરીક્ષણ કર્યું છે.
પુતિને ઈતુરુપ પહોંચ્યા તેની સામે જાપાને વાંધો વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો છે. જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોતેગીએ કહ્યુ છે કે એતોરોફુ સહીત ઉત્તરીય ક્ષેત્ર ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રયી કાયદાના આધારે જાપાનનો અભિન્ન હિસ્સો છે. તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનની યાત્રાને લઈને જાપાન તરફથી આકરો વાંધો વ્યક્ત કર્યો છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે પહેલેથી ચાલી રહેલા પ્રાદેશિક વિવાદને વધુ વકરાવી શકે છે.
પુતિનની ઈતુરુપ મુલાકાત એવા સમયે થઈ છે કે જ્યારે રશિયાના દૂરવર્તી પૂર્વમાં મોટો નૌસૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે. તેના એક દિવસ પહેલા રશિયાના સહયોગી ઉત્તર કોરિયાએ કોરિયન ઉપખંડના પૂર્વ સમુદ્રી વિસ્તારમાં વધુ બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. આ પરીક્ષણ દક્ષિણ કોરિયા અને અમેરિકાના પ્રસ્તાવિત સંયુક્ત સૈન્ય અભ્યાસના કેટલાક દિવસ પહેલા થયું છે. આ અભ્યાસનો પ્યોંગયાંગ સતત વિરોધ કરી રહ્યું છે.
રશિયા, ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે વધતી રણનીતિક ઘનિષ્ઠતા અને જાપાન સાથે પ્રાદેશિક વિવાદો વચ્ચે પુતિનની જાપાનના દાવાવાળા ટાપુની મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૈન્ય તણાવ પહેલેથી જ વધેલો છે. જો કે આ મુલાકાતને સીધા કોઈ સૈન્ય ટકરાવાની શરૂઆત માનવી ઉતાવળ હશે, પરંતુ રશિયા-જાપાનના જૂના પ્રાદેશિક વિવાદ અને વિસ્તારની સુરક્ષા ચિંતાઓ પર ચર્ચા જરૂર તેજ થઈ ચુકી છે.