ગુજરાતમાં કેન્સરથી વર્ષે 43,500થી વધુના મોત, વધતા કેસોએ ચિંતા વધારી
અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં 2025માં 26,810 કેન્સરના નવા દર્દીઓ નોંધાયા હતા.પરંતુ આ નવા કેસોમાંથી 9,147 કેસ અન્ય રાજ્યના હતા
ગુજરાતમાં કેન્સરનો કહેર વધ્યો છે. કેન્સરના ચિંતાજનક આંકડાઓએ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે.
રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ગત પાંચ વર્ષમાં કેન્સરગ્રસ્ત દર્દીઓમાં 10 ટકાનો વધારો થયો છે એટલે કે દર વર્ષે 79,000 જેટલા કેસો નોંધાય છે.વધતા કેસોની ચિંતા સાથે દર વર્ષે ગુજરાતમાં 43,500 જેટલા દર્દીીઓ કેન્સરના કારણે મોતને ભેંટે છે.
રિપોર્ટ મુજબ, રાજ્યમાં દૈનિક ધોરણે 217 નવા દર્દીઓ નોંધાય છે અને દરરોજ 119 લોકો કેન્સરના કારણે જીવ ગુમાવે છે. દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત નવમા સ્થાને છે. જ્યારે પહેલા સ્થાને રહેલા ઉત્તર પ્રદેશમાં 2025માં 1.25 લાખ દર્દીઓ કેન્સરને કારણે મોતને ભેંટયા હતા.
અમદાવાદ સિવિલ મેડિસિટી ખાતે કેન્સર હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, 2025માં પુરુષોમાં મોંઢાના કેન્સરના 1931 કેસ નોંધાયા હતા. જ્યારે મહિલઓમાં 2021માં 1385 બ્રેસ્ટ કેન્સરના કેસ નોંધાયા હતા, તે 2025માં વધીને 1456 થયા હતા.
અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં 2025માં 26,810 કેન્સરના નવા દર્દીઓ નોંધાયા હતા.પરંતુ આ નવા કેસોમાંથી 9,147 કેસ અન્ય રાજ્યના હતા. જેમાંથી મધ્યપ્રદેશના 4572, રાજસ્થાનના 2678, ઉત્તર પ્રદેશના 1064, બિહારના 288 અને મહારાષ્ટ્રના 279 દર્દીઓ કેન્સરની સારવાર માટે ગુજરાત આવ્યા હતા.
મહત્ત્વપૂર્ણ છે કે કેન્સરની સારવાર અંગે વાત કરવામાં આવે તો, કેન્સર કયાં અંગ પર છે અને કેટલું ફેલાયું છે તેના પર તેની સારવાર થાય છે. મુખ્ય સારવારમાં સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન થેરાપી, ઈમ્યુનોથેરાપી અને હૉર્મોન થેરાપી દ્વારા ઈલાજ કરવામાં આવતું હોય છે. સર્જરીમાં કેન્સરની ગાંઠને ઓપરેશન કરીને કાઢવામાં આવે છે.
કેન્સર મૂળ ચાર સ્ટેજમાં થાય છે. પહેલા સ્ટેજમાં નાની ગાંઠ હોય છે, જેથી સારવારથી સ્વસ્થ થઈ શકાય છે. જોકે, બીજા સ્ટેજમાં ગાંઠ થોડી મોટી થઈ જાય છે તેને પણ સારવાર દ્વારા નિંયત્રણમાં લાવી શકાય છે. ત્રીજા સ્ટેજના કેન્સરમાં સારવાર થોડી મુશ્કેલ રહેતી હોય છે. લાંબા સમયથી દર્દીને સારવાર હેઠળ રહેવું પડતું હોય છે. તેના પછી આવે છે, કેન્સરની સંપૂર્ણ સારવાર કરવાનું શક્ય હોતું નથી, જેથી સાજા થવાની શક્યતા સંપૂર્ણ રીતે ઓછી છે.