રાજકોટમાં હાઈપ્રોફાઈલ ફેમિલીમાં વૃદ્ધ દંપત્તિને ત્રાસ, વિધવા પુત્રવધૂ-પૌત્રીઓનો મિલકત મેળવવા કારસો
ન્યૂ કોલેજવાડી મેઈન રોડ પર રહેતા 74 વર્ષીય પુષ્પાબહેન પ્રવિણચંદ્ર જોશીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આને લઈને ફરિયાદ નોંધવી છે
સંપત્તિ હોય અને પોતાની હોય તે પણ આજના જમાનામાં પુરતું નથી. રાજકોટમાં દોઢ કરોડનો બંગ્લો ધરાવતા વૃદ્ધ દંપત્તિને મિલકત હડપી લેવા માટે તેમની વિધવા પુત્રવધૂ અને પૌત્રીઓ જ ત્રાસ આપી રહી છે.
દાદા હિંચકે બેસે તો બાજૂમાં બેસીને હિંચકાની સ્પીડ વધારવામાં આવે છે, જેથી દાદા પડી જાય અને તેમને વાગે. દાદી રસોડામાં જાય તો તેઓ લપસી જાય તેના માટે પાણી-તેલ પૌત્રીઓ દ્વારા ઢોળવામાં આવે છે.

પોતાના જ પરિવારજનો સામે ગંભીર આક્ષેપ કરનારા વૃદ્ધ દંપત્તિના બે પુત્ર અને એક પુત્રી છે. મોટા પુત્ર સંજયનું 2024માં નિધન થયું હતું. બે માળના મકાનમાં આ વૃદ્ધ દંપત્તિ નીચે રહે છે. ઉપરના માળે તેમના પુત્રવધૂ કિન્નરીબેન બંને પુત્રીઓ સાથે રહે છે, તો બીજા રૂમમાં નાનો પુત્ર રવિ પરિવાર સાથે રહે છે.
ન્યૂ કોલેજવાડી મેઈન રોડ પર રહેતા 74 વર્ષીય પુષ્પાબહેન પ્રવિણચંદ્ર જોશીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આને લઈને ફરિયાદ નોંધવી છે. ફરિયાદ મુજબ, પુત્રવધૂ કિન્નરીબહેન અને બે પૌત્રી મિલકત પોતાના નામે કરાવવા માટે વારંવાર ઝઘડા કરે છે, ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
20 જુલાઈ, 2026ના રોજ સવારે ઘરે હતા ત્યારે કિન્નરીબેન અને તેની બંને પુત્રીઓએ કહ્યું કે, મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર કોઈ રીતે ઘરમાં અકસ્માત કરીને મારી નાંખીશું. જે વાત સાંભળી તેને શાંતિ રાખવાની સલાહ આપી હતી. આમ છતાં તેમને અને પતિને નહીં બોલવા જેવું બોલવા લાગ્યા હતા. સમજાવટના પ્રયાસ છતાં ઝઘડો ચાલુ રાખ્યો હતો એટલું જ નહીં તેમને અને પતિને ગાળો આપી હતી અને ધમકી આપતા કહ્યું કે, તમે અમારા નામે મિલકત નહીં કરો તો અમે ત્રણેય જણાં તમને મારી નાંખીશું.
ફરિયાદ કરનારા વૃદ્ધાનો આરોપ છે કે પુત્રવધૂ કિન્નરીબહેનની બંને પૌત્રીઓ તેમના પતિની ગેરહાજરીમાં તેમના બેડરૂમમાં આવીને ખાખાખોળા કરે છે. ઘણીવાર બંને હાજર હોય ત્યારે પણ મિલકત પોતાના નામે કરાવવા દબાણ કરીને ઝઘડા કરે છે. ઘરની બહાર જાય ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો રાખતા હોવાથી અજાણ્યા માણસો ઘરમાં ઘૂસી જાય છે.
આક્ષેપ કરવામાં આવ્યો છેકે દાદા હિંચકે બેસે તો પૌત્રી તેમી બાજુમાં બેસીને હિંચકાની ગતિ અચાનક વધારીને તેમને પાડી નાખવાનો પ્રયત્ન કરે છે. રસોડામાં પાણી અને તેલ ઢોળીને બંને વૃદ્ધ પતિ-પત્નીને પાડી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં લોક અદાલત તેમજ પ્રોટેક્શન માટે કલેક્ટરમાં પણ રજૂઆત કરવામાં આવી છે.
વૃદ્ધાએ માગણી કરી છે કે ત્રાસ ગુજરવાના આરોપી પુત્રવધૂ અને બંને પૌત્રીઓને ઘરમાંથી બીજે મોકલી દેવામં આવે. તેમણે કહ્યુ છે કે ભવિષ્યમાં ભાગ આપીશું. ભાગ આપવાની ના પાડતા નથી. પણ અમારી આ રીતે હેરાનગતિ કરવામાં આવતા અમે કંટાળીને પોલીસ ફરિયાદ કરી છે.