અમદાવાદના કેશવ નારાયણ બિલ્ડર ગ્રુપની 129 કરોડથી વધુની સંપત્તિ ઈડીએ ટાંચમાં લીધી, રીયલ એસ્ટેટ ફ્રોડ મામલે કાર્યવાહી
ક્રાઈમ બ્રાન્ચ, સટેલાઈટ પોલીસ સ્ટેશન, નવરંગપુરા પોલીસ સ્ટેશન અને બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી
અમદાવાદમાં રીયલ એસ્ટેટ ફ્રોડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. બિલ્ડર ગ્રુપ કેશવ નારાયણ ગ્રુપની 129 કરોડથી વધુની મિલ્કતને ઈડીએ એટેચ કરી લીધી છે. નાણાં ઉઘરાવીને પ્રોજેક્ટ પૂર્ણ નહીં કરી અને આવકની રકમ અળગ ડાઈવર્ટ કરી હોવાનો ખુલાસો થયો હતો. ક્રાઈમ બ્રાંચ સહીત 5 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ઈડીએ આ મામલે તપાસ શરૂ કરી હતી.
અમદાવાદના આ રીયલ એસ્ટેટ ફ્રોડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરતા કેશવ નારાયણ ગ્રુપ અને અન્ય સામે કાર્યવાહી કરીને 129.80 કરોડ રૂપિયાની મિલ્કતોને ટાંચમાં લીધી છે. રોનક સોનાણી, વિપુલ ગાંગાણી સહીતના આરોપીઓ સામે ઈડી અમદાવાદ ઝોનલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઈડી દ્વારા ટાંચમાં લેવાયેલી મિલ્કતો છારોડી, શેલા અને કડીના જેસંગપુરા-અલોગમાં આવેલી છે.
છારોડી પ્રોજેક્ટમાં અંદાજીત 250 ખરીદાદાર રોકાણકારો પાસેથી નાણાં લીધાનો ખુલાસો થયો હતો. શેલાના અક્ષર અનંત પ્રોજેક્ટમાં 44થી વધુ ખરીદદારો પાસેથી નાણાં વસૂલાયા હતા. જ્યારે ફ્લેટ-દુકાન આપવાના વાયદા છતાં પ્રોજેક્ટ પૂર્ણ ન કર્યો અને રકમ પણ પરત અપાય નથી.
આરોપ છે કે NA પરમિશન અને રેરા રજીસ્ટ્રેશન વિના પ્રોજેક્ટનું માર્કેટિંગ કરાયું હતું. ખરીદદાર પાસેથી વસૂલેલા નાણાં ડાયવર્ટ કરીને મિલ્કતો છૂપાવવાનો પણ પ્રયાસ થયો હતો. ડમી સેલડીડ મારફતે મિલ્કતો ત્રીજા પક્ષને ટ્રાન્સફર થયાનું પણ તપાસમાં ખુલ્યું હતું.
આ સિવાય રજીસ્ટર્ડ દસ્તાવેજોમાં કાલ્પિનિક પેમેન્ટ દર્શાવીને વ્યવહારોને કાયદેસર દેખાડવાનો પણ પ્રયાસ થયો હતો.
આ મામલે ખરીદદારો દ્વારા ક્રાઈમ બ્રાન્ચ, સટેલાઈટ પોલીસ સ્ટેશન, નવરંગપુરા પોલીસ સ્ટેશન અને બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.