ભાજપના નેતાએ HC એડવોકેટ એસો.ના પ્રમુખ યતીન ઓઝાને પરોક્ષપણે"કૉંગ્રેસી ખહુરિયું કૂતરું" ગણાવ્યા!
જુદાજુદા વિવાદોમાં રહેલા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામે સુનાવણીમાં હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું હતું. જે ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીને ગમ્યું નહીં. તેથી તેમણે સોશયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણી મેદાનમાં આવે, જનતા શું ઈચ્છે છે તે ખબર પડી જશે
ગુજરાત ભાજપના નેતા મુકેશ ગુજરાતીએ ફેસબુક પોસ્ટમાં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સામે વાંધાજનક ટીપ્પણીઓ કરી છે. મુકેશ ગુજરાતીએ પહેલા સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની સામે હાઈકોર્ટની કાર્યવાહી સામે નારાજ થઈને મુખ્ય ન્યાયાધીશ સામે જ વાંધાજનક ટીપ્પણી કરી હતી. જેના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને બેઠક બોલાવીને મુકેશ ગુજરાતીની ટીપ્પણીને વખોડીને તેમને પદ પરથી દૂર કરવા માટે ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો.
હવે મુકેશ ગુજરાતીએ ફેસબુક પર પોસ્ટ કરીને યતીન ઓઝાને પરોક્ષપણે ખહુરિયા કૂતરા સાથે સરખામણી કરીને વિવાદીત ટીપ્પણી કરી છે. જો કે યતીન ઓઝાએ કહ્યુ છે કે હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. મારે તેને જવાબ આપીને મોટો કરવો નથી. તેની સામે કોર્ટમાં જ પગલાં લેવાશે.
ભાજપના નેતા મુકેશ ગુજરાતીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આ કોર્ટના કેમ્પસમાંથી એકવાર કાઢી મૂકવામાં આવ્યું હતું તે ખહુરિયા કૂતરાનો આકો છે એટલે કે ચમચાવનો બાપો. હવે આ ખહુરિયું ભાજપને સલાહ આપવાની વાતો કરતો કે પાર્ટી કેમ બચાવવી પહેલી વાત તો આને ચમચા સહન કેમ કરતા હશે. સુરતથી સાયકલના પંચરવાળો અમદાવાદથી ખજૂરિયો બે કોંગ્રેસિયા મારી સાથે ટક્કર લેવા આવ્યા છે. ગુજરાતમાં જેટલા હોય તેટલા આવી જ જજો મેદાનમાં તમારો બાપ એકલો જ કાફી છે.

મુકેશ ગુજરાતીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે કોંગ્રેસી ખહુરિયું કૂતરું છે ભસવા દેવાનું બીજેપી યોદ્ધાનું તે કાઈ ઉખાડી લે આવેને તો હું પગ નીચે કચરી નાખું.

મહત્ત્વપૂર્ણ છે કે થોડાક મહિનાઓથી જુદાજુદા વિવાદોમાં રહેલા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામે સુનાવણીમાં હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું હતું. જે ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીને ગમ્યું નહીં. તેથી તેમણે સોશયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણી મેદાનમાં આવે, જનતા શું ઈચ્છે છે તે ખબર પડી જશે.
ભાજપના નેતાની આ હરકતને લઈને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને તાકીદની બેઠક બોલાવીને મુકેશ ગુજરાતીના નિવેદનને વખોડયું હતું. ત્યારે યતીન ઓઝાએ જજ સામે વિવાદીત ટીપ્પણી કરનારમાં હાઈકોર્ટના પટાવાળા બનવાની લાયકાત પણ નહીં હોવા સંદર્ભેની એક ટીપ્પણી કરી હતી.