અમદાવાદ મનપસંદ જીમખાનામાં SMCના દરોડા બાદ મોટી કાર્યવાહી, દરિયાપુરના PI,સર્વેલાન્સ સ્ક્વોર્ડના PSI સસ્પેન્ડ
મનપસંદ જીમખાના ક્લબમાં 'D કંપની' સ્ટાઇલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને હાઇપ્રોફાઇલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. જેમાં ક્લબની મેમ્બરશીપથી લઈને હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો
અમદાવાદના દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.વી. ગોહિલ, સર્વેલાન્સ સ્ક્વોર્ના પીએસઆઈને રાજ્યના ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે.
બંને અધિકારીઓને તેમની બેદરકારીને કારણે ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે.
2 ઓગસ્ટે મનપસંદ જીમખાના ક્લબમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ થયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડામાં 187 જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
4 ઓગસ્ટે તમામ આરોપીઓને પોલીસના 4 વાહનો અને એએમટીએસની 1 બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે 9 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તેમને જેલ ભેગા કર્યા હતા. જ્યારે 178 આરોપીના જામીન મંજૂર કરાયા હતા.
દરિયાપુરના મનપસંદ જીમખાના ક્લબમાં ગોવિંદ ઉર્ફે ગામા પટેલ દ્વારા જુગારધામ ચલાવાતું હોવાની જાણકારી છતાં દરિયાપુર પોલીસ અને શહેર પોલીસની એજન્સીઓ આંખ આડા કાન કરતી હતી. આના પહેલા પણ આ સ્થળે જુગાર ઝડપાય ચુક્યો છે. છતાં દરિયાપુર પોલીસ કે શહેરની એજન્સીઓ દ્વારા કડક ચેકિંગ કે કોઈ અન્ય કાર્યવાહી હાથ ધરાઈ ન હતી.
2021માં પણ મનપસંદ જીમખાના પર એસએમસીના દરોડામાં 183 જુગારીઓ ઝડપાયા હતા અને ત્યારે પણ દરિયાપુરના તત્કાલિન પીઆઈ, પીએસઆઈ સહીત 12 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા.
મનપસંદ જીમખાના ક્લબમાં 'D કંપની' સ્ટાઇલથી ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને હાઇપ્રોફાઇલ જુગારધામ ચલાવવામાં આવતું હતું. જેમાં ક્લબની મેમ્બરશીપથી લઈને હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો. સંચાલકો ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરતા હતા. કુલ 22 ટેબલ ભાડે આપ્યા હતા.
મંજૂર નકશા વિરુદ્ધ જીમખાનામાં બિનઅધિકૃત પ્રવૃત્તિ ચલાવતા એએમસી દ્વારા પણ કાર્યવાહી કરાઈ હતી.