પાલડીમાં અંજલિ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત, બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત
પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી ટ્રકચાલક સામે ગુનો દાખલ કર્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે
અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલિ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક પર સવાર બે યુવકો આઇસર ટ્રકને ઓવરટેક કરવા જતાં રોંગ સાઈડમાંથી આવી રહેલી અન્ય ટ્રક સાથે અથડાયા હતા. અકસ્માતમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઓવરટેક કરવા જતાં ટ્રક સાથે અથડાયા
પ્રાપ્ત વિગતો મુજબ, પાલડીના અંજલિ બ્રિજ નજીક એક આઇસર ટ્રક પસાર થઈ રહી હતી. આ દરમિયાન તેની પાછળ બાઈક પર બે યુવકો જઈ રહ્યા હતા. બાઈકચાલકે આઇસર ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઓવરટેક કરતી વખતે બાઈક રોંગ સાઈડમાં આવી રહેલી અન્ય ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક પર સવાર બંને યુવકો ટ્રકની નીચે આવી ગયા હતા.
એક યુવકનું ઘટનાસ્થળે મોત
ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય યુવકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થવાનો પ્રયાસ
અકસ્મત બાદ ટ્રકચાલકે ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિકોએ ટ્રકચાલકને પકડવા માટે તેનો પીછો કર્યો હતો. ઘટનાની જાણ થતાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી ટ્રકચાલક સામે ગુનો દાખલ કર્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.