કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપકડ, સોશયલ મીડિયા પર ધમકી આપવી ભારે પડી
સોશયલ મીડિયા પર વેપારીના પરિવારને ધમકીઓ આપવા અને બદનક્ષી કરવાના મામલામાં સુરતની પુણા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપકડ કરી છે.
વિવાદીત સોશયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર કીર્તિ પટેલની સુરત અને સુરેન્દ્રનગર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સુરેન્દ્રનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે. સોશયલ મીડિયા પર વેપારીના પરિવારને ધમકીઓ આપવા અને બદનક્ષી કરવાના મામલામાં સુરતની પુણા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપકડ કરી છે. તે રતનપરમાં આવેલા અવધેશ્વર ટાઉનશિપમાં રોકાઈ હતી. બાતમીના આધારે સુરત અને સુરેન્દ્રનગરની પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને પુણા પોલીસ વધુ પૂછપરછ માટે સુરત લઈ જઈ રહી છે.
આ મામલાનો પ્રારંભ ભાગનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મર દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદથી થઈ હતી. આરોપ છે કે કીર્તિ પટેલ અને ભાગનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ સોશયલ મીડિયા દ્વારા તેનના પરિવારની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાની કોશિશ કરીને ગંભીર ધમકીઓ આપી છે. આ મામલે સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
હવે આ ફરિયાદના આધારે પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 296(બી), 351(2), 356(3), 54(આઈ) તેમજ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ (IT Act)ની કલમ 67 હેઠળ ગુનો નોંધ્યો છે.
કીર્તિ પટેલે ગુનો નોંધાયા બાદ પૂણા પોલીસ સ્ટેશન બહારથી વીડિયો બનાવીને તેને સોશયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયો માં તેણે ફરિયાદી રાજુ ભમ્મરને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
તેના પછી સુરત પોલીસે કડક કાર્યવાહી કરીને 'Kirti_patel_official5143' અને 'Kirti_ni_moj5143' નામના બે મુખ્ય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને ભારતમાં સત્તાવાર રીતે બ્લોક કરાવ્યા હતા. સોશયલ મીડિયા પર કીર્તિ પટેલના 13 લાખ ફોલોઅર્સ હતા. જો કે પ્રતિબંધ છતાં તેણે નવું એકાઉન્ટ શરૂ કર્યું હોવાનું પણ ચર્ચામાંછે.
પોલીસ રેકોર્ડ મુજબ, કીર્તિ પટેલ સામે 2017થી 2026 દરમિયાન જુદાંજુદાં પોલીસ સ્ટેશનોમાં 10 ગંભીર ગુનાઓ નોંધાયા છે. તેમાં મારામારી, ધમકી, ખંડણી માગવી, મૃગીકુંડમાં મંજૂરી વગર સ્નાન જેવા મામલે ફરિયાદો થઈ છે. તે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં જેલની હવા પણ ખાઈ ચુકી છે.