મહેસાણા: કડી તાલુકાના સૂરજ ગામમાં તળાવમાં ડૂબવાથી 3 યુવાનોના મોત
ઘટનાની સ્થાનિકોને જાણ થતા તેમણે મહેસાણા મહાનગરપાલિકાની ફાયર શાખાને તાત્કાલિક જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય યુવકોના મૃતદેહોને બહાર કાઢયા હતા
મહેસાણા જિલ્લાના કડીતાલુકાના સૂરજ તળાવમાં ડૂબી જવાથી 3 યુવાનોના મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, કડીના ત્રણ મિત્રો અને સુરજ ગામના એક શખ્સ સહીત કુલ ચાર મિત્રો સુરજ ગામના તળાવ કિનારે ફરવા અને સ્નાન કરવા ગયા હતા.
ત્યારે ચારમાંથી એક મિત્ર નાસ્તો લેવા માટે ગયો હતો. તે દરમિયાન બાકીના ત્રણ યુવાનો તળાવમાં નાહાવા પડયા હતા. તળાવમાં પાણીનું ઊંડાણ વધુ હતું અને તેનો અંદાજ નહીં હોવાથી તેઓ ડૂબી ગયા હતા.
આ ઘટનાની સ્થાનિકોને જાણ થતા તેમણે મહેસાણા મહાનગરપાલિકાની ફાયર શાખાને તાત્કાલિક જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય યુવકોના મૃતદેહોને બહાર કાઢયા હતા.
કડી પોલીસ સ્ટેશનની ટુકડી પણ અહીં પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પટિલમાં ખસેડયા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.