નસબંધી બાદ પણ 6 સંતાન થયા!કલેક્ટર સામે ડૉગ કોસ્ચ્યુમમાં અનોખો વિરોધ
ફરિયાદી સાથે જનસુનાવણીમાં પહોંચેલા ખંડવા નગરનિગમના વિપક્ષના નેતા દીપક મલ્લૂ રાઠૌરે નિગમ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા
મધ્યપ્રદેશના ખંડવા કલેક્ટ્રેટ પરિસરમાં જનસુનાવણી દરમિયાન વિચિત્ર સ્થિતિ બની હતી. એક ફરિયાદી શ્વાનનો માસ્ક પહેરીને પ્રશાસનિક અધિકારીઓના ટેબલની સામે પહોંચ્યો હતો. આ અનોખું વિરોધ પ્રદર્શન જોઈને હાજર અધિકારીઓ અને લોકો હક્કા-બક્કા થઈ ગયા હતા. આરોપ લગાવાયો છે કે નસબંધીના નામ પર કૂતરાઓ સાથે છેતરપિંડી થઈ છે. કટાક્ષ કરતા તેણે કહ્યુ કે નસબંધી છતાં 6 બાળકો થઈ ગયા, આ અનોખું પ્રદર્શન નગર નિગમ દ્વારા રખડતાં કૂતરાની નસબંધીના અભિયાનમાં કથિતપણે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે કરવામાં આવ્યું.
ફરિયાદી સાથે જનસુનાવણીમાં પહોંચેલા ખંડવા નગરનિગમના વિપક્ષના નેતા દીપક મલ્લૂ રાઠૌરે નિગમ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે નગર નિગમ ક્ષેત્રમાં રખડતાં કૂતરાની રોકથામ અને વંધ્યીકરણના નામે સરકારી બજેટનો ખૂબ દુરુપયોગ થઈ રહ્યો છે. વંધ્યીકરણની પ્રક્રિયા માત્ર કાગળો પર દેખાડવામાં આવી છે અને વાસ્તવિક ધરાતલ પર કોઈ નક્કર કામ કર્યા વગર લાખોના સરકારી ફંડની બંદરબાટ કરવામાં આવી છે. આ બેદરકારી અને કથિત ગોટાળા તરફ અધિકારીઓનું ધ્યાન ખેંચવા માટે આ રુપ ધારણ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
મોંઢા પર કૂતરાનું માસ્ક લગાવીને ફરિયાદીને જોઈને જનસુનાવણી કક્ષમાં રહેલા લોકો અને પ્રશાસનિક અમલદારો પહેલા તો આશ્ચર્યચકિત થયા. જોત જોતામાં આ અનોખું પ્રદર્શન કલેક્ટ્રેટ પરિસરમાં ચર્ચાનું અને કુતૂહલનું કારણ બન્યું. થોડાક જ સમયમાં આ વિરોધની તસ્વીરો અને વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થઈ ગયા.
આ દરમિયાન મીડિયા સાથેનની વાતચીતમાં નગરનિગમના વિરોધ પક્ષના નેતા દીપક મુલ્લૂ રાઠૌરે ડોગીવાળા માસ્ક પહેલા એક શખ્સની સાથે દેખાયા. તેમણે કટાક્ષ કરતા કહ્યુ કે મારી સાથે જે આ ડોગી આવ્યા છે, તેમની સાથે નસબંધીમાં છેતરપિંડી થઈ છે. નસબંધી છતાં 6 બાળકો થઈ ગયા. તેમણે આજે કલેક્ટર મહોદયને અરજી કરી છે. માગણી કરી છે કે જે કંપનીઓએ નસબંધીના નામે છેતરપિંડી કરી છે, તેમની વિરુદ્ધ એફઆઈઆર થાય.
દીપક રાઠૌરે અધિકારીઓની સામે કટાક્ષ કરતા કહ્યુ છે કે મારી સાથે (ડૉગના માસ્કવાળા શખ્સ) જે આવ્યા છે, તે દિલ્હીથી એમકોમ, બીકોમ અને ઘણી મોટી ડિગ્રી લઈને આવ્યા છે. તે ઘણાં દુખી છે. વંધ્યીકરણના નામે 40 લાખ ખાઈ ગયા છે. તેમણે કહ્યુ કે તાત્કાલિક એફઆઈઆર કરાવવામાં આવે. જો તેનું સાંભળવામાં નહીં આવે, તો હાઈકોર્ટ સુધી જશે અને જાહેરહિતની અરજી પણ કરશે.
આ આખા મામલામાં ખંડવાના અધિક કલેક્ટર કાશીરામ બડોલે કહ્યુ છે કે જનસુનાવણીમાં શ્વાનના વંધ્યીકરણ કેન્દ્રની કાર્યપ્રણાલી અને નાણાકીય અનિયમિતતાઓ સાથે સંબંધિત ફરિયાદ પ્રાપ્ત થઈ છે. પ્રશાસન આખા મામલાની નિષ્પક્ષ અને ગંભીર તપાસ કરાવશે. તપાસમાં જે તથ્ય સામે આવશે અને જો કોઈ અનિયમિતતા હોવાનું ઉજાગર થાય છે, તો સંબંધિત દોષિતોની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.