રાજસ્થાનમાં 5 વર્ષે સત્તા બદલાય તો હિંદુત્વ મટી જતું નથી, ગેનીબહેને કહ્યું- પરિવર્તનથી MLA-MP કાબુમાં રહે કે નહીં?
કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ ઓબીસીને અન્યાયના મુદ્દે આંદોલનનું બ્યૂગલ ફૂક્યું હતું
બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદમાં ખેડૂતોની પદયાત્રા વખતે બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોર અને કૉંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ ગુજરાતની રાજનીતિ માટે સૂચક નિવેદનો આપ્યા છે.
ગુજરાતને હિંદુત્વના રાજકારણનો ગઢ માનવામાં આવે છે. ત્યારે ખેડૂત હિત માટે આયોજિત કાર્યક્રમમાં ગેનીબહેન ઠાકોરે સત્તા પરિવર્તની હાંકલ કરતા કહ્યુ કે સત્તા પરિવર્તનથી નેતા, મંત્રી, ધારાસભ્ય-સાંસદ કાબુમાં રહે કેમ? તેમણે કહ્યુ કે રાજસ્થાનમાં પાંચ વર્ષ કોંગ્રેસ અને પાંચ વર્ષ ભાજપની સરકાર આવે છે, છતાં ત્યાં કોઈનું હિંદુત્વ ખતમ થયું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે એક જ સરકારના લાંબા સમય સુધી રહેવાને કારણે જવાબદારી ઘટે છે અને પરિવર્તનથી લોકશાહી મજબૂત બને છે.
ગેનીબહેન ઠાકોરે કહ્યુ હતુ કે બધાય પાંચ-પાંચ વર્ષે બદલાય તો બે પક્ષોના આગેવાનો, ધારાસભ્ય, સાંસદ, મંત્રી હોય બધા કાબૂમાં-કંન્ટ્રોલમાં રહે કે નહીં? આ તો તમે એકનું એક આપણે દહાડામાં બે ટાણા એકનું એક શાક ખાઈએ. રોજ અઠવાડિયું સળંગ કઢી કરો તો ભાવે? ના ભાવે ને? થોડું તમને લાગતું હોય કે હવે આમાં પાંચ વર્ષમાં એવડું મોટું રાજ રડાઈ નહીં જાય એમ, કદાચ પરિવર્તન થઈ જાશે તો આપણે હિન્દુ મટી જાશું? અને આખો વિનાશ થઈ જશે, એવડું મોટું નુકસાન નથી થવાનું. પણ એકાદ વખત, ખેડૂતોના હિતમાં તમારા બધાના હિતમાં સત્તા પરિવર્તન કરો.
તેમણે કહ્યુ કે ચૂંટણી આવે ત્યારે પક્ષાપક્ષી કરવી, પણ હાલ ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવી જોઈએ.
કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ ઓબીસીને અન્યાયના મુદ્દે આંદોલનનું બ્યૂગલ ફૂક્યું હતું. ઠાકરશી રબારીએ કહ્યુ કે આ વિસ્તારમાં ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઓબીસી વિદ્યાર્થીઓને પણ ન્યાય મળતો નથી. ઓબીસી સમાજના અધિકારો માટે હવે ઓબીસી બચાવો આંદોલન શરૂ કરવાની જરૂર છે. તેમણે જીપીએસસીના ચેરમેનૃ હસમુખ પટેલ પર આડકતરા પ્રહારો કરતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.