આંબલીયાસણમાં SC પરિવારનો મંદિરમાં પ્રવેશતા અટકાવવાનો આરોપ, બંને પક્ષો તરફથી ફરિયાદ કરાઈ
અનુસૂચિત જાતિ પરિવારના વ્યક્તિઓને મંદિરમાં પ્રવેશતા અટકાવી છેડતી તથા જાતિવિષયક અપશબ્દો બોલવા અંગે એટ્રોસિટી અને પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. તો સામા પક્ષે મહિલા અને પૂજારી પર હુમલો કરવાની ફરિયાદ નોંધાવામાં આવી છે
મહેસાણાના આંબલીયાસણ ગામમાં મહાદેવ મંદિરમાં દર્શન કરવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર વિવાદ બાદ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિ પરિવારના વ્યક્તિઓને મંદિરમાં પ્રવેશતા અટકાવી છેડતી તથા જાતિવિષયક અપશબ્દો બોલવા અંગે એટ્રોસિટી અને પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. તો સામા પક્ષે મહિલા અને પૂજારી પર હુમલો કરવાની ફરિયાદ નોંધાવામાં આવી છે.
આંબલીયાસણ સ્ટેશન વિસ્તારમાં રહેતા સૃષ્ટિબહેન ધીરજભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના પરિવાર સાથે મંદિરમાં દર્શન માટે ગયા હતા, ત્યારે પિંકીબહેન ઉપાધ્યાય, તેમના પુત્રી અને કૌશલભાઈ ઉપાધ્યાયે તેમને જાતિ આધારે મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા. આરોપીઓએ ઝપાઝપી કરી અને સગીરાની છેડતી કરી હતી. તેની સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ, બીએનએસ અને પોક્સો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બીજી તરફ મોનીકાબહેન ઉર્ફે પિન્કીબહેન કૌશલકુમાર ગુરુએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ મંદિરના પરિસરમાં સફાઈ કરી રહ્યા હતા અને ત્યારે બે યુવતીઓને કચરો વાળ્યા બાદ અંદર જવા કહેતા વિવાદ થયો હતો. યુવતીઓએ ઉશ્કેરાઈને તેમની સાથે મારામારી કરી હતી. ત્યારે દરમિયાનગીરી કરવા વચ્ચે પડેલા પૂજારી પતિને પણ ગડદાપાટુનો માર મારી ધમકી આપી હતી.
પોલીસ તપાસમાં હુમલો કરનારી યુવતીઓની ઓળખ પ્રિયાબહેન સોલંકી અને સૃષ્ટિબહેન સોલંકી તરીકે થઈ છે. તેથી તેમની સામે પણ પોલીસ તપાસના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.