ઉજ્જૈન મહાકાળના દર્શન કરીને પરત ફરતા વડોદરાના 6 યુવકોએ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવ્યો
ટક્કર એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ હતી અને તેમાં રહેલા 6 યુવાનોના ઘટનાસ્થળે જ પ્રાણ ચાલ્યા ગયા હતા
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાળ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરીને પાછા ફરી રહેલા વડોદરાના 6 યુવકો મોતને ભેંટયા છે. આ દુર્ઘટના બદનાવર-ઉજ્જૈન ફોરલેન હાઈવે પર પંચકવાસા નજીક રોંગ સાઈડમાં આવતી ટ્રક દ્વારા કારને ટક્કર મારવાથી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, લોખંડનો સામાન ભરેલો ટ્રક ખોટા કેરેજ વે પર ઉજ્જૈન તરફ જઈ રહ્યો તો. ત્યારે ઈકો કાર ગુજરાત તરફ આવી રહી હતી. તેને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થયો હતો.
આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ હતી અને તેમાં રહેલા 6 યુવાનોના ઘટનાસ્થળે જ પ્રાણ ચાલ્યા ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિક તંત્ર સહીત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોએ પોલીસ સાથે મળીને કાચ તોડીને મૃતક યુવકોની લાશો બહાર કાઢી હતી.
પોલીસે મૃતકોના પરિવારજનોને દુર્ઘટનાની જાણ કરી હતી. મૃતદેહોને બદનવર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.