BJP MLAની પુત્રીએ મંદિરમાં મહિલા PSIને લાફો માર્યો!
ફૂટેજમાં તેના પછી મહિલા પોલીસ અધિકારી પણ તેને મારતી દેખાય છે. ઘટનાસ્થળે રહેલા અન્ય લોકો બંને વચ્ચે હસ્તક્ષેપ કરીને તેમને અલગ કરે છે
કર્ણાટકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પુત્રીનો થપ્પડ કાંડ વાઈરલ થઈ રહ્યો છે. મામલો શ્રીરંગપટના સ્થિત એક મંદિરનો છે. આ મંદિરની અંદર તુમકુરુ ગ્રામીણથી ભાજપના ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી અને એક મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટર વચ્ચે કોઈ વાત પર વિવાદ થયો હતો. હવે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં ભાજપના ધારાસભ્યની પુત્રી ઐશ્વર્યા પોલીસ અધિકારી સાવિતા બી. પાટિલને થપ્પડ મારતી દેખાય છે. આ ઘટના 12 ઓગસ્ટની હોવાનું જણાવાય રહ્યું છે.
આ ઘટના શ્રીરંગપટના આરતી ઉક્કડા મંદિરમાં ભીમ અમાસ સમારંભ દરમિયાન સાંજના લગભગ 4.30 વાગ્યાની છે. પીએસઆઈ સાવિતા બી. પાટિલને મંદિરમાં ભીડને નિયંત્રિત કરવા માટે તેનાત કરવામાં આવ્યા હતા.
સાવિતાની ફરિયાદ મુજબ, ઐશ્વર્યા કેટલાક અન્ય લોકોની સાથે મંદિર પહોંચી અને કતારમાં રાહ જોયા વગર જ ગર્ભગૃહમાં જવાની કશિશ કરવા લાગી. પોલીસ અધિકારીએ શ્રદ્ધાળુઓને અસુવિધાથી બચાવવા માટે તેને થોડી મિનિટ રાહ જોવા જણાવ્યું. આરોપ છે કે આના પર ઐશ્વર્યાએ ખુદ ધારાસભ્યની પુત્રી હોવાનું જણાવીને સવાલ કર્યો કે તેને શા માટે રોકવામાં આવી છે.
સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી દેખાય છે. આ દરમિયાન ઐશ્વર્યા ફોનનો ઉપયોગ કરતી અને કોલ કરવાની કોશિશ કરતી દેખાય છે. તેના પછી તે કથિતપણે પોલીસ અધિકારીને થપ્પડ મારે છે. ફૂટેજમાં તેના પછી સાવિતા પણ તેને મારતી દેખાય છે. ઘટનાસ્થળે રહેલા અન્ય લોકો બંને વચ્ચે હસ્તક્ષેપ કરીને તેમને અલગ કરે છે.
પીએસઆઈ સાવિતાએ બાદમાં કૈથાનહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ઐશ્વર્યા વિરુદ્ધ બીએનએસ સંબંધિત કલમોના આધારે એફઆઈઆર નોંધી છે. તેમાં સરકારી કર્મચારી પર કથિત હુમલો, સાધારણ ઈજા પહોંચાડવી, જાણીજોઈને અપમાન કરવું અને આપરાધિક ધમકી આપવા સાથે જોડાયેલા આરોપો સામેલ છે.
તો ઐશ્વર્યાએ પણ પોલીસ અધિકારી વિરુદ્ધ કાઉન્ટર ફરિયાદ કરી છે. તેનો આરોપ છે કે પોલીસ અધિકારીએ તેને ગાળ આપી હતી. પોલીસે કહ્યું કે કાઉન્ટ ફરિયાદમાં લગાવાયેલા આરોપોની તપાસ ચાલી રહી છે.
ધારાસભ્ય બી. સુરેશ ગૌડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે જો તેમની પુત્રીથી ભૂલ થઈ છે, તો તે તેના વ્યવહાર માટે માફી માંગે છે અને જે પણ દોષિત છે, તેની વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.
તેમણે કહ્યુ કે ઐશ્વર્યા પોતાના બે નાના બાળકો સાથે મંદિર ગઈ હતી અને તેણે કેટલાંક સમય માટે મંદિરમાં પ્રવેશની મંજૂરી માંગી હતી, કારણ કે કતારમાં રાહ જોવાથી બાળકોને પરેશાની થઈ શકતી હતી. જો કે ધારાસભ્યે એ પણ કહ્યુ કે રાજકીય પરિવારના સદસ્ય હોવાને નાતે તેમની પુત્રીએ ધીરજ રાખવી જોઈતી હતી. તેમણે ઘટનાની વિભાગીય તપાસની માગણી કરી છે.
ધારાસભ્યે મંદિરોમાં વીઆઈપી વ્યવસ્થાનો પણ વિરોધ કર્યો છે. તેમણે કહ્યુ છે કે તમામ શ્રદ્ધાળુઓની સાથે સમાન વ્યવહાર થવો જોઈએ અને તમામને એક જ કતાર વ્યવસ્થાનું પાલન કરવું જોઈએ, જેથી સામાન્ય લોકોને અસુવિધા થાય નહીં અને પોલીસકર્મીઓ પર પણ દબાણ ઓછો થાય.