ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ ખેડૂતોને ગાળો ભાંડી, પછી કહ્યું- ખાલી બોલાચાલી થઈ હતી
ધારાસભ્ય કગઠિયાએ અપશબ્દો કહ્યાનો ઈન્કાર કરીને કહ્યુ કે ચોમાસામાં પુલમાં કચરો ફસાઈ જતાં આસપાસની જમીનમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે. મારી સામે એક ખેડૂત બોલતો હતો, તેથી હું બોલ્યો હતો.
જૂનાગઢના માંગરોળથી ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જામવાડીના એક વિવાદીત પુલની કામગીરીને લઈને પ્રાંત અધિકારીની હાજરીમાં ખેડૂતોને ગાળો ભાંડી છે. ધારાસભ્યે ખેડૂતોને કહ્યુ કે હું ધારાસભ્ય છું , મારી સામે નહીં બોલવાનું છે. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ પોતાના બચાવમાં ભાજપના ધારાસભ્યે કહ્યુ કે ખાલી બોલાચાલી થઈ છે, આ તો અમારા વિસ્તારમાં રૂટિન શબ્દ છે.
મહત્ત્વપૂર્ણ છે કે માંગરોળના જામવાડી ગામે ખેડૂતોએ ખેતરમાં અવરજવર કરવા માટે સાત લાખના ખર્ચે પુલ બનાવ્યો છે. ગામના સરપંચે ફરિયાદ કરતા કલેક્ટરે તપાસનો આદેશ કર્યો હતો અને પુલની ઊંચાઈ 1 મીટર રાખવાની મંજૂરી આપી હતી. પરંતુ મંજૂરી કરતા ઊંચો પુલ બનાવ્યાની ફરિયાદ પર ધારાસભ્ય અને પ્રાંત અધિકારી તપાસ માટે પહોંચ્યા હતા. ત્યારે ખેડૂતો સાથેની બોલાચાલીમાં ધારાસભ્યે અપશબ્દોનો ઉપયોગ કરીને કહ્યુ કે હું ધારાસભ્ય છું મારી સામે નહીં બોલવાનું.
ધારાસભ્ય કગઠિયાએ અપશબ્દો કહ્યાનો ઈન્કાર કરીને કહ્યુ કે ચોમાસામાં પુલમાં કચરો ફસાઈ જતાં આસપાસની જમીનમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે. મારી સામે એક ખેડૂત બોલતો હતો, તેથી હું બોલ્યો હતો.
જામવાડીના અરજદાર કાસમ દલે કહ્યુ હતુ કે તેમણે પોતાની માલિકીના ખેતરમાં આવનજાવન માટે સાત લાખના ખર્ચે પુલ બનાવ્યો છે. પરંતુ સરપંચ તેને પાડી નાખવા માંગે છે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અહીં આવ્યા અને તેમણે મને ગાળો આપી હતી.
માંગરોળના પ્રાંત અધિકારી સી. ટી. હીરવાણીયાએ કહ્યુ કે જમીન માલિકને મંજૂરી મળી હતી, તેના કરતા વધુ ઊંચાઈનો પુલ બનાવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે અન્ય ખેડૂતોનો આક્ષેપ છે કે આના કારણે 25થી 30 જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઈ છે. તેની અનેકવાર રજૂઆતો મળી છે.