માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત, નવમા રાઉન્ડના અંતે સતીષ પટેલ 13,591 વોટથી આગળ
37.05 ટકાના નબળા મતદાનને કારણે ભાજપ, કૉંગ્રેસ સહીતના ઉમેદવારોને કોઈ ઉલટફેરની શક્યતાઓ દેખાઈ હતી
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મતગણતરી વચ્ચે ભાજપના કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરવા લાગ્યા છે. ભાજપની મહિલા કાર્યકર્તાઓ ગરબે ઘૂમીને જીતની ઉજવણી કરી રહી છે.
માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણી પર આજે સવારથી મતગણતરી ચાલુ છે. 37.05 ટકાના નબળા મતદાનને કારણે ભાજપ, કૉંગ્રેસ સહીતના ઉમેદવારોને કોઈ ઉલટફેરની શક્યતાઓ દેખાઈ હતી. કુલ 19 રાઉન્ડની મતગણતરીમાંથી 9 રાઉન્ડનું કાઉન્ટિંગ પૂર્ણ થયું છે.
9 રાઉન્ડના કાઉન્ટિંગના અંતે ભાજપના ઉમેદવાર સતીષ પટેલ 25,618 મત મેળવીને સૌથી આગળ છે. કૉંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી 12,027 વોટ સાથે બીજા ક્રમાંકે છે. જ્યારે નોટાને 1018 વોટ મળ્યા છે. ભાજપના ઉમેદવા 13,591 વોટથી આગળ છે.
સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર સતીષ પટેલ આગળ ચાલી રહ્યા છે. મતગણતરી કેન્દ્ર ખાતે 14 ઈવીએમ મશીનો અને 1 પોસ્ટલ બેલેટના કાઉન્ટિંગની વ્યવસ્થા કરાઈ છે. 260 મતદાન મથકોના મતોની ગણતરી માટે 14 +1 ટેબલો પર 19 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થશે.
વડોદરા જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ કાઉન્ટિંગની કામગીરી માટે 41 ગણતરી સ્ટાફ અને દરેક ટેબલ દીઠ સુપરવિઝન માટે 42 માઈક્રો ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 200થી વધુ પોલીસકર્મીઓ, અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.