અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સને ભારતીય વિદેશ મંત્રાલયે POK ની ભૂગોળ ભણાવી
ભારતની આ પ્રતિક્રિયા ન્યૂયોર્ક ટાઈમ્સના એ અહેવાલ બાદ આવી છે કે જેમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં તાજેતરમાં અશાંતિ અને સ્થાનિક ચૂંટણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ભારતે અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ પર આકરો વાંધો વ્યક્ત કર્યો છે. જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને પાકિસ્તાની કાશ્મીર કહેવામાં આવ્યું હતું.
ભારતે ફરીથી સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તાર ભારતનો અભિન્ન હિસ્સો છે. અમેરિકાના અખબારે પોતાના તાજેતરના અહેવાલમાં વાપરેલા શબ્દો પર વાંદો વ્યક્ત કરતા અમેરિકામાં ભારતીય દૂતાવાસે આ શબ્દોના ઉપયોગને ભ્રામક અને ખોટા ગણાવ્યા છે. ભારતીય દૂતાવાસે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે કોઈ પાકિસ્તાની કાશ્મીર નથી. માત્ર પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર (POK)છે.
ભારતે પોતાના જૂના વલણને દોહરાવતા કહ્યુ કે જમ્મુ-કાશ્મીર અને લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પહેલા પણ, આજે પણ અને હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહેશે. ભારતીય દૂતાવાસે એ પણ ક્હ્યું હતું કે પાકિસ્તાને આ વિસ્તારોના કેટલાક ભાગ પર ગેરકાયદેસર કબજો કરી રાખ્યો છે અને ત્યાં રહેતા લોકો વિરુદ્ધ હિંસાનો ઉપયોગ ચાલુ રાખ્યો છે.
ભારતની આ પ્રતિક્રિયા ન્યૂયોર્ક ટાઈમ્સના એ અહેવાલ બાદ આવી છે કે જેમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં તાજેતરમાં અશાંતિ અને સ્થાનિક ચૂંટણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અખબાર પ્રમાણે, મીરપુરમાં તે સમયે હિંસા ભડકી, જ્યારે સુરક્ષાદળોનું જોઈન્ટ આવામી એક્શન કમિટીના લોકો સાથે ઘર્ષણ થયું. આ સંગઠન નાગરિક અધિકારો માટે કામ કરે છે અને પોલીસ અત્યાચાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યું હતું.
અમેરિકાના અખબાર મુજબ, આ તાજેતરની હિંસામાં ગોળી વાગવાથી ઓછામાં ઓછા બે લોકોના મોત નીપજ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન માનવાધિકાર પંચે આ મોતની તટસ્થ તપાસની માગણી કરી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલમાં એમ પણ કહ્યુ કે ગત ઘણાં સપ્તાહોથી ચાલી રહેલી અશાંતિમાં ઘણાં લોકોના મોત નીપજી ચુક્યા છે અને તેની અસર આખા વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા પર પડી રહી છે. રિપોર્ટમાં જોઈન્ટ આવામી એક્શન કમિટીના એ દાવાનો પણ ઉલ્લેખ કરાયો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં તેના ઘણાં સદસ્યો માર્યા ગયા છે. જો કે અખબારે સ્પષ્ટ કર્યું છે કે તે આ દાવાઓની સ્વતંત્રપણે પુષ્ટિ કરી શક્યું નથી.
ભારતનું સતત કહેવું છે કે આખા જમ્મુ-કાશ્મીર ક્ષેત્ર પર તેનો સાર્વભૌમ અધિકાર છે. ભારતનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર અને લડાખ, બંને કેન્દ્રશાસિત પ્રદેશો દેશના અવિભાજ્ય હિસ્સા છે.