ભાવનગરના ઉખરલામાં ભાગોની બૂમથી જુગાર રમતા દોડેલા 4માંથી 3ના કુવામાં પડવાથી મોત
પોલીસ દરોડો પાડયાની જાણકારી હોવાનો નનૈયો ભણ્યો, તો સવાલ એ છે કે ભાગોની બૂમ કેમ પડી ? શું કોઈ ષડયંત્ર હતું કે મજાક કરાઈ હતી?
ભાવનગર જિલ્લાના ઉખરલા ગામમાં મોડી રાત્રે 11 લોકો જુગાર રમી રહ્યા હતા. ત્યારે ભાગોની બૂમ પડતા દોડેલા ત્રણ લોકો કુવામાં પડયા અને ત્રણેયના મોત નીપજ્યા. જ્યારે એક વ્યક્તિ કુવા પાસે લટકતો રહ્યો અને તેથી તેનો બચાવ થયો.
મૃતકમાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ સિંધા સામેલ છે. બનાવને કારણે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનોનો સર ટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
વરતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુજબ, ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રાત્રે વાડીમાં અમુક માણસો ભેગા થયા હતા. સવારે ફોનથી જાણકારી મળી કે એક વાડીમાં લાશ પડી છે. પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને તેના પછી એક પછી એક ત્રણ લાશ મળી આવી. મૃતદેહોને હોસ્પિટલમાં ખસેડી પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે.
જુગાર સમયે દરોડો પડયો હોય તેવું કંઈ ધ્યાનમાં આવ્યું નહીં હોવાનું પણ જણાવ્યું. તેમણે કહ્યુ કે કોઈ ગયું નથી અને શા માટે આ લોકો ભેગા થયા હતા તે હાલ તપાસનો વિષય છે.
અહીં તપાસનો વિષય એ છે કે જો પોલીસે દરોડો ન હતો પાડયો, તો ભાગોની બૂમ પડી તેનું કારણ શું હતું?